મુખ્ય સમાચાર
News of Wednesday, 24th July 2019

વિદેશી રોકાણના નિયમો હળવા કરવા તૈયારી

હાલની સીમા ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધારી ૮૦૦૦થી ૧૦૦૦૦ કરોડ કરવા તૈયારી

નવી દિલ્હી, તા. ૨૪ :. સરકારે ૮ ટકા જીડીપી ગ્રોથ એટલે કે ઈકોનોમિ ગ્રોથ મેળવવાનું લક્ષ્યાંક રાખ્યુ છે. આ માટે મોટા પ્રમાણમાં નિવેશ મેળવવાની જરૂર છે. એવામાં સરકાર પ્રત્યક્ષ વિદેશી નિવેશ (એફડીઆઈ)ના નિયમોમાં ઢીલ આપવા જઈ રહી છે.

સૂત્રોના કહેવા મુજબ સરકાર ઈચ્છે છે કે વિદેશ નિવેશ માટે વારંવાર કેબીનેટની પરવાનગી લેવાની જરૂર ન હોવી જોઈએ. આ માટે કેબીનેટની મંજુરી વગર વિદેશ નિવેશ મેળવવાની સીમા વધારવામાં આવી રહી છે. આ માટે એફડીઆઈના નિયમોમાં ફેરફારો થશે. હાલ ૫૦૦૦ કરોડ રૂપિયા સુધી વિદેશી નિવેશ પર કેબીનેટની મંજુરીની જરૂર નથી. આનાથી વધુના રોકાણ પર કેબીનેટની મંજુરી જરૂરી જ હોય છે. સરકાર હવે આ સીમાને વધારીને ૮૦૦૦ કરોડ રૂપિયા કે ૧૦૦૦૦ કરોડ રૂપિયા કરવા માગે છે. આ માટેના બેઠકોના દોર ચાલુ છે. સરકાર ઈચ્છે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં વિદેશ નિવેશના ફલોમાં ઓછામાં ઓછા ૩૦ થી ૪૦ ટકાની તેજી આવી છે. આ માટે જરૂરી છે કે નિયમોને સરળ બનાવવામા આવે કે જેથી વિદેશી નિવેશ મેળવવા માટે વધુ ટેકનીકલ સમસ્યા ઉભી ન થાય. સૂત્રોના કહેવા મુજબ નિવેશ વધવાથી માર્કેટમાં નાણાનો પ્રવાહ વધશે. કંપનીઓનું વિસ્તરણ થશે. ઉત્પાદકતા વધશે. માર્કેટમાં ડીમાન્ડ વધશે તો જીડીપી વધવાથી બજારમાં રોજગારીની તકો પણ વધશે.

(11:42 am IST)