મુખ્ય સમાચાર
News of Wednesday, 24th July 2019

પુલવામા હુમલા પાછળ જૈશ જવાબદારઃ પાકિસ્તાનમાં ૪૦ આતંકી સંગઠનો સક્રિયઃ ઈમરાન ખાનની કબુલાત

પાકિસ્તાનની અગાઉની સરકારોએ ત્રાસવાદી સંગઠનો અંગે અમેરિકાને અંધારામાં રાખ્યાનો ખુલાસો

વોશિંગ્ટન, તા. ૨૪ :. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનમાં આતંકી ગતિવિધિઓ અને આતંકી સંગઠનો હોવાની બાબત કબુલ કરી છે. ઈમરાન ખાને કહ્યુ છે કે, પાકિસ્તાનમાં ૪૦ આતંકી સંગઠન કામ કરી રહ્યા હતા એટલુ જ નહિ તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં પુલવામા ખાતે સીઆરપીએફ કેમ્પ ઉપર થયેલા આતંકી હુમલાને લઈને પણ મોટુ નિવેદન આપ્યુ છે. ઈમરાને સ્વીકાર્યુ છે કે પુલવામા હુમલા પાછળ જૈશ-એ-મહમદ જવાબદાર હતું. તેમણે એવો દાવો કર્યો છે કે જૈશ-એ-મહમદ પાકિસ્તાનમાં મોજુદ છે એટલુ જ નહિ કાશ્મીરમાં પણ તે છે અને ત્યાંથી કામ કરે છે. પાકિસ્તાનના આ નિવેદનથી એ સ્પષ્ટ થઈ ગયુ છે કે પાકિસ્તાને સીધી રીતે સ્વીકારી લીધુ છે કે પુલવામા પાછળ જૈશ જવાબદાર હતુ અને તેનો વડો મૌલાના મસુદ અઝહર છે.

આ પહેલા આંતરરાષ્ટ્રીય મંચો ઉપર પાકિસ્તાન ખુદની જમીન પર જૈશની મૌજુદગીને નકારતુ રહ્યુ છે. ઈમરાને કહ્યુ છે કે આ એક એવો મામલો હતો જેને સ્થાનિક આતંકીઓએ પણ અંજામ આપ્યો હતો. અત્રે એ નોંધનીય છે કે ભારતે આ હુમલા પાછળ જૈશ જવાબદાર છે તેના પુરાવા પણ પાકિસ્તાનને આપ્યા હતા. ઈમરાને હવે કહ્યુ છે કે અમે પાકિસ્તાનમા તમામ આતંકી સંગઠનોને ખતમ કરી દેશું કારણ કે તે પાકિસ્તાનના હિતમાં છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે વાજપેઈ અને મુશર્રફ સત્તામાં હતા ત્યારે બન્ને કાશ્મીર મુદ્દો ઉકેલવાની નજીક હતા પરંતુ દુર્ભાગ્યવશ મુદ્દો ઉકેલી શકાયો નહિ.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આજે સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યુ છે કે પાકિસ્તાનમાં ૪૦ ત્રાસવાદી સંગઠનો સક્રિય હતા. જેની માહિતી અગાઉની સરકારોએ છેલ્લા ૧૫ વર્ષમાં અમેરિકાને આપી ન હતી. ઈમરાને કહ્યુ છે કે અમે અમેરિકા સાથે આતંક વિરૂદ્ધ લડાઈ લડી રહ્યા છીએ. ૯/૧૧ સાથે પાકિસ્તાનને કોઈ લેવા-દેવા નથી. પાકિસ્તાનમાં કોઈ તાલીબાન નથી, પરંતુ અમે લડાઈમાં અમેરિકાનો સાથ આપ્યો. દુર્ભાગ્યથી જ્યારે બાબતો ખરાબ થઈ તો મેં સરકારની ટીકા કરી હતી, પરંતુ અગાઉની સરકારોએ અમેરિકાને જમીન પરની હકીકતો જણાવી ન હતી.

ઈમરાન ખાન કોંગ્રેસની શીલા જેકશન લી દ્વારા આયોજીત કેપીટલ હીલ રીસેપ્શનને સંબોધી રહ્યા હતા. ખાને કહ્યુ હતુ કે પાકિસ્તાનમાં ૪૦ વિવિધ ત્રાસવાદી સંગઠનો ચલાવાતા હતા તેથી પાકિસ્તાન એવા સમયમાંથી પસાર થતુ હતુ જ્યાં લોકો વિચારતા હતા કે સ્થિતિને કઈ રીતે નિપટાશે ?

ઈમરાન ખાને કહ્યુ હતુ કે પાકિસ્તાને પોતાની ધરતી પર લાદેનની મોજુદગી અંગે જણાવ્યુ હતુ. તે સમયે પાકિસ્તાન પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યુ હતુ.

(3:31 pm IST)