મુખ્ય સમાચાર
News of Thursday, 24th June 2021

વિશ્વના પ્રથમ એન્ટિ વાયરસ સોફ્ટવેરના સર્જક જ્હોન મેકાફીએ સ્પેનની જેલમાં કર્યો આપઘાત

જ્હોન મેકાફી બ્રિટિશ મૂળનો અમેરિકન કમ્પ્યુટર પ્રોગ્રામર:અમેરિકાથી હતો ફરાર : જ્હોન મેકાફીએ નાસા, ઝેરોક્સ અને લોકહીડ માર્ટિન જેવી ટોચની કંપનીઓમાં કામ કર્યું હતું

મેડ્રિડ : વિશ્વના  દુનિયાના પ્રથમ કમર્શિયલ એન્ટિ વાયરસ સોફ્ટવેરના સર્જક જ્હોન મેકાફીએ સ્પેનની જેલમાં આપઘાત કર્યો છે તેની ઉંમર ૭૫ વર્ષની હતી અને તે અમેરિકાથી ફરાર થઈ ગયો હતો.
જ્હોન મેકાફી બ્રિટિશ મૂળનો અમેરિકન કમ્પ્યુટર પ્રોગ્રામર હતો. તેણે દુનિયાનો પ્રથમ કમર્શિયલ એન્ટી વાયરસ સોફ્ટવેર ૧૯૮૭માં વિકસાવ્યો હતો. જ્હોન મેકાફીના એ એન્ટી વાયરસ સોફ્ટવેરનું નામ મેકાફી જ હતું અને આજેય એ સોફ્ટવેર દુનિયાના ૫૦ કરોડ જેટલાં યુઝર્સ ઉપયોગમાં લે છે. એણે સોફ્ટવેર કંપની બનાવી હતી, પણ પછીથી એ કંપની વેચી નાખી હતી.
જ્હોન મેકાફીએ નાસા, ઝેરોક્સ અને લોકહીડ માર્ટિન જેવી ટોચની કંપનીઓમાં કામ કર્યું હતું. સમય જતાં તેનું નામ સાઈબર ગુનાખોરીમાં સંડોવાયું હતું.

તેના નામે ક્રિપ્ટોકરન્સીના ગુના ઉપરાંત, ડ્રગ્સ અને ગેરકાયદે હથિયારોની ગુનાખોરી બોલતી હતી. ટેક્સ ચોરીના કેસમાં તે અમેરિકાથી ફરાર થઈ ગયો હતો.
સ્પેનમાં રહેતા ૭૫ વર્ષના જ્હોન મેકાફીના પ્રત્યાર્પણ માટે અમેરિકાએ પ્રયાસો શરૃ કર્યા હતા. સ્પેનની કોર્ટમાં એનો કેસ ચાલ્યો હતો. કોર્ટે મેકાફીના પ્રત્યાર્પણની મંજૂરી આપી દીધી હતી. એની કલાકો પછી જ જેલમાં મેકાફીએ આપઘાત કરી લીધો હતો. બાર્સેલોનાની જેલમાંથી તેનો મૃતદેહ મળ્યો હોવાનું જેલ ઓથોરિટીએ કહ્યું હતું.
મેકાફીની ધરપકડ બાર્સેલોનાના એરપોર્ટથી ગયા વર્ષે સ્પેનની પોલીસે કરી હતી. મેકાફી સ્પેનમાં હોવાની જાણકારી મળી પછી અમેરિકન એજન્સીઓએ તેના પ્રત્યાર્પણ માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

(11:49 pm IST)