મુખ્ય સમાચાર
News of Thursday, 24th June 2021

કાશ્મીર મુદ્દે સર્વપક્ષીય બેઠક :ત્રણ કલાક થયું મંથન : પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા પીએમ મોદીએ આપ્યું આશ્વાસન

જમ્મુ-કાશ્મીરના 8 રાજકીય પક્ષોના 14 નેતાઓ સાથે વિચાર વિમર્શ કર્યો: પીએમ મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશમાં સીમાંકન અને વિકાસ પર ભાર મૂક્યો

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરને લઈને વડા પ્રધાનના સત્તાવાર નિવાસ સ્થાને મળેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ થઇ છે પીએમ મોદીએ લગભગ ત્રણ કલાક સુધી જમ્મુ-કાશ્મીરના 8 રાજકીય પક્ષોના 14 નેતાઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતા પીએમ મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશમાં સીમાંકન અને વિકાસ પર ભાર મૂક્યો હતો.

કલમ 370 ના રદ થયાના લગભગ બે વર્ષ બાદ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથે વાતચીત કરવાની હાકલ કરી છે.આ સર્વપક્ષીય બેઠકમાં ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. વડા પ્રધાને જમ્મુ-કાશ્મીરને લઈને બોલાવેલી સર્વપક્ષીય બેઠક બાદ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે બેઠકમાં અમે કાશ્મીરી પંડિતોને ખીણમાં સ્થાયી કરવાની વાત પણ કરી હતી. કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં વહેલી તકે ચૂંટણી યોજવી જોઈએ. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ વતી, અમે માંગ કરી છે કે રાજ્યનો દરજ્જો જલ્દીથી પૂર્વવત કરવામાં આવે.

વડાપ્રધાન મોદી સાથેની બેઠક બાદ જમ્મુ-કાશ્મીર અપની પાર્ટીના નેતા અલ્તાફ બુખારીએ કહ્યું કે, આજે સારા વાતાવરણમાં વાતચીત થઈ હતી. દરેક વ્યક્તિએ વિગતવાર પોતાનો મુદ્દો આપ્યો છે. વડા પ્રધાન અને ગૃહ પ્રધાને બધાની વાત સાંભળી. પીએમએ કહ્યું કે, સીમાંકનની પ્રક્રિયા પૂરી થયા બાદ ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે.

(8:48 pm IST)