મુખ્ય સમાચાર
News of Thursday, 24th June 2021

ઇઝરાયેલ એમ્બેસી બહાર બ્લાસ્ટ કેસ :કારગિલના ચાર વિદ્યાર્થીની દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલ દ્વારા પૂછપરછ

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમે દિલ્હીમાં ઇઝરાયેલ એમ્બેસીની બહાર બોમ્બ વિસ્ફોટના કેસ અંગે કારગિલના ચાર વિદ્યાર્થીઓની પૂછપરછ કરી રહી છે. હવે NIA પણ તેમની પૂછપરછ પણ કરી શકે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે 29 જાન્યુઆરી 2021 ના રોજ દિલ્હીમાં ઇઝરાયેલી દૂતાવાસની બહાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. રાજધાનીમાં જ્યારે બીટિંગ રીટ્રીટ ચાલી રહી હતી ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન સહિત અનેક વીવીઆઈપી બ્લાસ્ટ સ્થળથી માત્ર 2 કિલોમીટર દૂર હાજર હતા.

વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી અને આ વિસ્તારને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યો હતો. ઇઝરાયેલે આ હુમલાને આતંકી હુમલો માન્યો હતો. જોકે, આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) ની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી હતી. વિસ્ફોટની સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ એરપોર્ટ, મહત્વપૂર્ણ મથકો અને સરકારી ઇમારતો પર એલર્ટ દાહેર કરવામાં આવી હતી. CISFએ તેના તમામ યુનિટને એલર્ટ પર મૂકી દીધા હતા.

ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રોન મલકાએ દિલ્હીમાં તેમના દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટ પછી કહ્યું હતું કે અમે આ હુમલાના ગુનેગારો અને તેમના ઉદ્દેશ શોધવા માટે ભારતીય અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ ઘટના બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 29 મી વર્ષગાંઠ પર બની હતી.

જ્યારે, વિદેશ પ્રધાન જયશંકરે બોમ્બ વિસ્ફોટની ઘટનાને ખૂબ ગંભીર ગણાવી હતી અને કહ્યું હતું કે ઘટનાની તપાસ ચાલી રહી છે. ગુનેગારોને શોધી કાઢવા માટે કોઈ કસર રાખવામાં આવશે નહીં. તેમણે ઇઝરાયેલના વિદેશ પ્રધાન ગૈબી અશ્કેનાઝી સાથે ફોન પર વાત કરી હતી અને ઇઝરાયેલ દૂતાવાસ, રાજદ્વારીઓ અને હાજર અન્ય સ્ટાફની સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે અમે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ.

(7:47 pm IST)