મુખ્ય સમાચાર
News of Thursday, 24th June 2021

રેલ્વે દ્વારા હવે સરકારી ટુરીસ્ટ બંગલો પણ બુક કરાવી અપાશે

સરકારી હોટલ, લોજ તથા ગેસ્ટ હાઉસનો લાભ યાત્રિકો લઇ શકશેઃ IRCTCની વેબસાઇટ ઉપરથી રૂમ કન્ફર્મ કરાવી શકાય છે

રાજકોટ તા. ર૪ :.. ભારતમાં દરરોજ લાખો લોકો ઇન્ડિયન રેલ્વે દ્વારા વિવિધ જગ્યાએ ટ્રાવેલ કરી રહ્યા છે ત્યારે પ્રવાસીઓને સુખદ સફરનો અનુભવ કરાવવા ઉપરાંત હવે રેલ્વે દ્વારા સરકારી ટુરીસ્ટ બંગલો (પર્યટક આવાસ ગૃહ) પણ બુક કરાવી દેવામાં આવશે તેવું જાણવા મળે છે.

આ માટે  IRCTC  (ઇન્ડિયન રેલ્વે કેટરીંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન) ની વેબસાઇટ ઉપર જઇને સરકારી હોટલ, લોજ તથા ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવવાની સુવિધા મેળવી શકાય છે. પ્રવાસીઓની ફેસેલિટીઝના અનુસંધાને IRCTC  દ્વારા પોતાની વેબ સાઇટને અપગ્રેડ કરવામાં આવી છે. તેના દ્વારા ટુરીઝમ અને કેટરીંગ ઉપરાંત હોટલ બુકીંગ જેવી સુવિધા પણ આપવામાં આવી રહી છે.

આ સંદર્ભે ઉતર પ્રદેશના સરકારી આવાસોમાં પ્રવાસીઓને આરામ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. IRCTC દ્વારા ઉત્તર પ્રદેશ પર્યટન વિભાગને આ બાબતે અનુરોધ કરવામાં આવ્યો છે. IRCTCના ગેટવે ઉપરથી સરકારી રૂમના બુકીંગ થઇ શકે છે. વેબ સાઇટ ઉપર સરકારી હોટલની સંપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

IRCTCના ટુરીઝમ મેનેજર એ. એસ. પાંડેય દ્વારા જણાવાયું હતું કે પ્રવાસીઓને સરકારી હોટલના રૂમ બુક કરાવવાની સુવિધા પણ આપવામાં આવી રહી છે. રેલ્વે દ્વારા સરકારી આવાસોનું બુકીંગ શરૂ કરવામાં આવતા પ્રવાસીઓને પણ રહેવા માટે વ્યાજબી ભાવથી સારી સુવિધા મળી રહેશે તેવી આશા સેવાઇ રહી છે.

(10:52 am IST)