મુખ્ય સમાચાર
News of Thursday, 24th June 2021

ટિકરી સરહદે ખેડૂતોનું હાઈટેક આંદોલન, એસી સાથેના ઘર

કૃષિ કાયદાની વિરોધમાં ૨૦૮ દિવસથી ખેડૂતોનું આંદોલન : દિલ્હીની સરહદોએ ખેડૂતોના ટેન્ટ છોડીને પરમેનન્ટ ઘર

નવી દિલ્હી, તા. ૨૩ : કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ સુધાર કાયદાના વિરોધમાં છેલ્લા ૨૦૮ દિવસથી ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. ખેડૂતો હજુ પણ દિલ્હીની ટિકરી અને સિંધુ બોર્ડર પર મક્કમ બનીને ઉભા છે. ૨૬ જાન્યુઆરીના રોજ જ્યારે ખેડૂત આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું ત્યારે આંદોલન સમેટી લેવામાં આવશે તેમ લાગ્યું હતું પરંતુ ૭ મહિના થવા આવ્યા છતાં આંદોલન હજુ પણ ચાલુ જ છે. સિંધુ બોર્ડરથી લઈને ટિકરી બોર્ડર સુધી ખેડૂતો અડગ બનીને આંદોલન કરી રહ્યા છે. બીજી બાજુ ખેડૂતોએ ટિકરી બોર્ડર પર રસ્તા ઉપર જ સ્થાયી કંસ્ટ્રક્શન પણ કરી નાખ્યું છે. ખેડૂતોએ રોહતક જવા માટેના રસ્તા પર પાક્કા મકાનો ચણી લીધા છે. આ ઘરોમાં એસી, કૂલર, ફ્રીજ અને ટીવી જેવી સુવિધાઓ પણ તૈનાત છે. ખેડૂતો એસીનું ટેમ્પરેચર ૧૮ ડિગ્રી સુધીનું રાખે છે. લક્ઝરી જીવન જીવી રહેલા ખેડૂતો ત્રણેય કાયદા પાછા ખેંચવાની માગ પર અડગ છે.

જ્યારથી આ આંદોલનની શરૂઆત થઈ ત્યારથી સંયુક્ત ખેડૂત મોરચાના આહ્વાન પર હજારો ખેડૂતો ટ્રેક્ટર, ટ્રોલી અને બસમાં બેસીને દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હીની સરહદોએ અડગ બનેલા ખેડૂતોએ ટેન્ટ છોડીને પરમેનન્ટ ઘર બનાવી દીધા છે. તે વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે તેમનું જીવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. જાણવા મળ્યા મુજબ ખેડૂતોને આવા પાક્કા ઘરો બનાવવા માટે પંજાબના ગામડાઓ મદદ પૂરી પાડી રહ્યા છે.

(12:00 am IST)