મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

રાજ્યસભા ચૂંટણી : જુગલજી ઠાકોર, વિદેશ મંત્રી એસ જયશંકર મેદાનમાં હશે

બંન્ને ઉમેદવાર આજે પોતાના ઉમેદવારી પત્ર ભરશે : બંન્ને ઉમેદાવાર નામોની સત્તાવાર જાહેરાત : કોંગ્રેસ પાર્ટી હજુ પણ દુવિધામાં : પાંચ નામો હાઈકમાન્ડ સોંપી દેવાયા

અમદાવાદ,તા.૨૪ : કેન્દ્રિય વિદેશ મંત્રી એસ જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી લડશે. આજે તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કોંગ્રેસના પૂર્વ નેતા મથુરજી ઠાકોરના પુત્ર જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતારવાનો ભાજપે નિર્ણય કર્યો છે. આ રીતે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભાની બે સીટ માટે પોતાના બે ઉમેદવારના નામ આજે સત્તાવાર રીતે જાહેર કરી દીધા હતા. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ પાંચ ઉમેદવારના નામ સુચવ્યા છે. આ પાંચ ઉમેદવાર પૈકી બેની પસંદગી કરવામાં આવશે. ઉત્તર ગુજરાતના બક્ષીપંચ સમાજના આગેવાન જુગલજી ઠાકોરને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા બાદ જયશંકર અને જુગલજી ઠાકોર આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે. કોંગ્રેસ હાઈ કમાન્ડ ઉપર નિર્ણય છોડી દીધો છે. મળેલી માહિતી મુજબ કોંગ્રેસ તરફથી રાજ્ય સભાની ચૂંટણી લડવા કોઈ પણ તૈયાર નથી. ગુજરાતમાંથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની રાજ્યસભાની સીટો ખાલી પડતા પાંચમી જુલાઈના દિવસે ચૂંટણી યોજવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. ચૂંટણી પંચે ખુબ મહત્વપૂર્ણ જાહેરાત કર્યા બાદ આની ચર્ચા ચાલી રહી હતી. ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી મામલે પણ મેદાનમાં મારવામાં સફળતા મેળવી છે. અગાઉ આજે એસ જયશંકર વિધિવતરીતે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. વિદેશ સચિવ તરીકે જયશંકરે ઉલ્લેખનીય ભૂમિકા અદા કરી હતી. આજે ભારતીય જનતા પાર્ટીના કારોબારી અધ્યક્ષ જેપી નડ્ડાની ઉપસ્થિતિમાં જયશંકર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા હતા. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નેતા કૈલાશ વિજયવર્ગીય, પાર્ટીના મહાસચિવ ભૂપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા. જયશંકર ભારતના પૂર્વ વિદેશ સચિવ તરીકે કામ કરી ચુક્યા છે. જાન્યુઆરી-૨૦૧૫થી જાન્યુઆરી-૨૦૧૮ સુધીના ગાળામાં તેઓ આ હોદ્દા પર રહ્યા હતા. ૭૩ દિવસ સુધી ચાલેલા ડોકલામ વિવાદવેળા જયશંકરની મોટી ભૂમિકા રહી હતી. આવતીકાલે બપોરે ૧૨ વાગ્યે ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. પ્રદિપસિંહ જાડેજાએ પત્રકાર સાથે વાતચીત કરતા મોડેથી જણાવ્યુ હતું કે, ઉમેદવારી પત્ર ભરતીવેળા બંન્નેની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાશે.

(9:35 pm IST)