મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

જમ્મુ-કાશ્મીર અનામત સુધાર બિલ લોકસભામાં રજુ કરાયુ

આતરરાષ્ટ્રીય સરહદ નજીક રહેનારને અનામત :નોકરી, પ્રમોશન તેમજ ઉચ્ચ શિક્ષણમાં અનામતનો લાભ આપવાની બિલમાં જોગવાઈ : મોદીની ઉપસ્થિતિમાં બિલ

નવી દિલ્હી,તા.૨૪ : જમ્મુ-કાશ્મીર અનામત સુધારણા બિલ આજે લોકસભામાં રજુ કરવામાં આવ્યુ હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં  કેન્દ્રીય રાજ્ય ગૃહમંત્રી જી કિશન રેડ્ડીએ આ બિલ લોકસભામાં રજુ કર્યુ હતું. આ બિલમાં આંતરરાષ્ટ્રીય સરહદની નજીક રહેનારને અનામત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે નોકરી, પ્રમોશન અને ઉચ્ચ શિક્ષણમાં અનામતનો લાભ પણ મળશે. આના માટે જમ્મુ કાશ્મીર અનામત-૨૦૦૪માં સુધારો કરવામાં આવ્યો છે. મોદી સરકાર આ વર્ષે ફ્રેબુઆરી મહિનામાં આને માટે વટહુકમ લઈને આવી હતી. હજુ સુધી એલઓસીની નજીક રહેતા લોકોને જ અનામતના લાભ મળે છે. આ બિલ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ રજુ કરનાર હતા પરંતુ છેલ્લી ઘડીએ કિશન રેડ્ડી દ્વારા રજુ કરવામાં આવ્યુ હતું. ૨૮મી ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રિય કેબિનેટે જમ્મુ કાશ્મીર અનામત સુધારા વટહુમકને મંજુરી આપી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ પણ મંજુરી આપી હતી. આ પહેલા મોદી સરકારે શુક્રવારે બીજા કાર્યકાળમાં ત્રણ તલાક અંગે નવું બિલ રજુ કર્યું હતું. હવે તેની પર ચર્ચા કરાશે. જો કે વિપક્ષ તેનો વિરોધ કરી ચુક્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગૃહમાં કહ્યું કે, સેનાના આધુનિકીકરણના સિલસિલો યથાવત છે. નીતિન ગડકરીએ કહ્યું કે, મુંબઈ-ગોવા પ્રોજેક્ટ એક વર્ષની અંદર અંદર પુરો થઈ જશે. સાથે જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત પ્રમાણે, ગંગા સ્વચ્છતા અભિયાન હેઠળ ૪૫ પરિયોજનાઓ પુરી કરાઈ છે. કેન્દ્રીય મંત્રી પ્રતાપ ચંદ્ર સારંગીએ ગૃહમાં કહ્યું કે, જે લોકો ભારતના ટુકડા ટુકડા સુધી યુદ્ધ ચાલુ રહેશે, પાકિસ્તાન જીંદાબાદ, અને અફજલ ગુરુ જીંદાબાદ કહે છે. એવા લોકોને દેશમાં રહેવાનો અધિકાર કોણે આપ્યો ? શાહ દ્વારા રજૂ કરવામાં આવેલા બિલ અંતર્ગત જમ્મુ-કાશ્મીર અનામત અધિનિયમ ૨૦૦૪માં સંશોધન કરવામાં આવશે. બિલ પાસ થતા આંતરરાષ્ટ્રીય સીમા પાસે રહેતા લોકોને પણ અનામતનો લાભ મળી શકશે. અનામત નિયમમાં સંશોધન પ્રમાણે કોઈ પણ વ્યક્તિ પછાત વિસ્તાર, નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમાથી સુરક્ષાના કારણોથી જતા રહ્યા હશે તેમને પણ અનામતનો લાભ મળશે. અત્રે નોંધનીયછે કેે, લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચારવેળા અમિત શાહે બંધારણની કલમ ૩૭૦ને રદ્દ કરવાની વાત કરી હતી. સાથે સાથે કલમ ૩૫એને ખતમ કરવાની પણ વાત કરી હતી. અમિત શાહ ઉપર હવે તમામની નજર રહેશે.

(9:28 pm IST)