મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

આ છે કેરીની રાણી

'નૂરજહાં' નામની કેરીનું ફળ આ વખતે ૨.૭૫ કિલો જોવા મળ્યું: ૧ નંગનો ભાવ ૧૨૦૦

ઇન્દોર, તા.૨૪: કેરીઓની રાણીના નામથી પ્રખ્યાત એવી 'નૂરજહાં' નામની કેરીનું ફળ આ વર્ષે ૨.૭૫ કિલોગ્રામનું જોવા મળ્યું. આ કારણે આ વર્ષે નૂરજહાં નામની આ કેરીનું એક ફળ ૧૨૦૦ રૂપિયા સુધીમાં વેચાયું છે. મૂળ અફઘાનિસ્તાનની કેરીની પ્રજાતિ તરીકે ઓળખાતી નૂરજહાં નામની આ કેરી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ઠીવાડા ક્ષેત્રનાં કેટલાંક ચોક્કસ વૃક્ષ પર ઉગે છે.

મધ્યપ્રદેશનો આ વિસ્તાર ગુજરાત પાસે આવેલો છે. ઈન્દોરથી લગભગ ૨૫૦ કિલોમીટર દૂર કટ્ઠીવાડામાં આ પ્રજાતિની ખેતીના વિશેષજ્ઞ ઈશાક મંસૂરીએ રવિવારે જણાવ્યું કે આ વખતે અનુકૂળ વાતાવરણના કારણે નૂરજહાંના વૃક્ષો પર સારી માત્રામાં કેરીઓનું ઉત્પાદન થયું છે. આ સિઝનમાં નૂરજહાંના ફળનું વજન અંદાજિત ૨.૭૫ કિલોગ્રામની આસપાસ જોવા મળ્યું.

મંસૂરીએ જણાવ્યું કે આજકાલ નૂરજહાં કેરીનું એક ફળ ૭૦૦થી ૮૦૦ રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ કેરીનું વધારે વજન હોવાને કારણે તેનું એક ફળ ૧૨૦૦ રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના અમદાવાદ, વાપી, નવસારી અને વડોદરા શહેરના કેરીના શોખીન લોકોએ તો આ કેરીનું અગાઉથી બુકિંગ પણ કરાવી લીધું છે. લોકો સ્પેશિયલ આ વિસ્તારમાં આ નૂરજહાં કેરીના વૃક્ષને જોવા માટે આવે છે અને તેની સાથે સેલ્ફી પણ લે છે.

(4:00 pm IST)