મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

કરોડો રૂપિયાનું બેટિંગ-રેકેટ પકડાયું, બે બુકીની ધરપકડ

મુંબઇની ગ્રાન્ટ રોડની જાણીતી હોટેલમાં રૂમ બુક કરીનેવર્લ્ડ કપની મેચો પર સટ્ટો લેવાતો હતોઃ ૧૧ દિવસમાં ૧૪ કરોડનો સટ્ટો રમાયાની આશંકા

મુંબઇ તા. ર૪: મુંબઇ પોલીસના એન્ટિનાર્કોટિકસ સેલ (એએનસી) એ શનિવારે રાતે ગ્રાન્ટ રોડમાં આવેલ એક જાણીતી હોટેલની રૂમમાં દરોડો પાડીને ક્રિકેટ વર્લ્ડ કપની મેચો પર કરોડો રૂપિયાનો સટ્ટો લેવાના આરોપસર બેબુકીની ધરપકડ કરી હતી. એક બુકી મુંબઇનો અનેબોજો બેન્ગલોરનો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ક્રિકેટ વર્લ્ડ કપની મેચો પર સટ્ટો લેવા માટે બુકીઓએ બે દિવસ પહેલાં હોટેલની રૂમ બુક કરાવી હતી.

મુંબઇ પોલીસની એએનસીની ટીમને બાતમી મળી હતી કે ગ્રાન્ટ રોડમાં ખેતવાડીમાં આવેલી એક હોટેલમાં કેટલાક બુકીઓ ક્રિકેટ વર્લ્ડ કપની મેચો પર સટ્ટો લઇ રહ્યા છે. ડેપ્યુટી પોલીસ કમિશનર (એએનસી) શિવદીપ લાંડેની આગેવાની હેઠળ હોટેલમાં દરોડો પાડીને બે બુકીની ધરપકડ કરવામાં આવી હતી.

શિવદીપ લાંડેએ કહ્યું હતું કે 'હોટલની રૂમમાં બુકીઓ વર્લ્ડ કપની મેચો પર સટ્ટો લેતા હોવાનું તેમની પાસેથી મળેલી ડાયરીની નોંધમાંથી જણાવ્યું છે છેલ્લા ૧૧ દિવસમાં ૧૪ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેકશન થયું હોવાની નોંધ ડાયરીમાં છે. અમને ટીપ મળ્યા બાદ હોટેલના ૧રમાં માળે આવેલી રૂમમાં અમે કાર્યવાહી કરી હતી. હોટેલની રૂમમાં ગયા ત્યારે પોલીસને બે વ્યકિત મોબાઇલ ફોન પર વેસ્ટ ઇન્ડીઝ અને ન્યુ ઝીલેન્ડની મેચનો સટ્ટો લેતા હોવાનું જોવા મળ્યું હતું. તેમની પુછપરછમાં જણાયું હતું કે એક વ્યકિત ફોન પર મેચની લાઇવ કોમેન્ટી આપતો હતો એના આધારે બે બુકીઓ પન્ટરો પાસેથી ભાવ લેતા હતા'.

એએનસીની ટીમે મુંબઇના પ૧ વર્ષના બુકી વિશ્વાસ કિશન ટાકલકર અને બેન્ગલોરના ર૪ વર્ષના બુકી અજય કાંતરાજની ગેમ્બલિંગ એકટ અને ઇન્ડિયન ટેલિગ્રાફ એકટ હેઠળ ધરપકડ કરીને તેમને સ્થાનિક ડી.બી.માર્ગ પોલીસ-સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી પોલીસ ૧,૯૩,ર૦૦ રૂપિયાના ૮ મોબાઇલ, રપ,૦૦૦ રૂપિયાની એલસીડી, ૯૪૭૦ રૂપિયા કેશ અને સટ્ટાની નોંધ લેવાતી રજિસ્ટર-કમ-ડાયરી જપ્ત કરી હતી.

ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ પર મોટા પાયે સટ્ટો રમાતો હોવા છતાં બુકીઓ પોલીસની નજરથી બચવા હોટેલ કે કાર અથવા કોઇ રિસોર્ટમાં જઇને પન્ટરોના સંપર્કમાં રહેતા હોવાથી પોલીસના હાથમાં નથી આવતા સ્થાનિક પોલીસ ભાગ્યે જ બુકીઓ સામે કાર્યવાહી કરે છે આવી સ્થિતિમાં સ્પેશ્યલ ટીમ અથવા બીજા ડિપાર્ટમેન્ટની પોલીસ ચોક્કસ બાતમીના આધારે ગેરકાયદે પ્રવૃત્તિઓને પકડી પાડે છે.

(3:57 pm IST)