મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

જૈસી કરની વૈસી ભરની

ત્રાસવાદી મસૂદ અઝહર ઘાયલ થયો હોવાના હેવાલને લઈને ચર્ચા

ટ્વિટર પર કરાયેલા દાવાને લઈને ચર્ચા છેડાઈ : મસૂદઅઝહર ઈજાગ્રસ્ત થવાને લઈને પાક. તરફથી સ્પષ્ટતા નહીં

રાવલપિંડી,તા.૨૪  : પાકિસ્તાનના રાવલપિંડીમાં લશ્કરી હોસ્પિટલમાં બ્લાસ્ટ થતા કુખ્યાત ત્રાસવાદી મસૂદ અઝહર ઘાયલ થયો હોવાના અહેવાલ મળ્યા છે. જોકે, આ અહેવાલને હજુ સુધી સમર્થન મળ્યું નથી. ટ્વિટર પર દાવો કરવામાં આવ્યો છે કે, મસૂદ અઝહર અન્ય દસની સાથે ઘાયલ થયો છે. જોકે, આ અહેવાલને લઈને ભારે દુવિધાભરી સ્થિતિ છે. આ બનાવ રવિવારના દિવસે બન્યો હતો પરંતુ તેને લઈને કોઈ ખુલાસો કરાયો નથી. રાવલપિંડીની મિલિટ્રી હોસ્પિટલમાં બ્લાસ્ટ બાદ ટ્વિટર પર જૈશ-એ-મોહમ્મદનો વડો મૌલાના મસૂદ અઝહર ઘાયલ થયાના સમાચાર વાઈરલ થઈ રહ્યા છે. પાકિસ્તાનના હ્યુમન રાઈટ વર્કર અહેસાન ઉલ્લાહે એક ટ્વિટ કરી છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે રાવલપિંડીની મિલિટ્રી હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો હતો અને આ જ હોસ્પિટલમાં મૌલાના મસૂદ અઝહરની સારવાર ચાલી રહી હતી. અહેસાન ઉલ્લાહેએ ટ્વિટમાં લખ્યું છે કે, પાકિસ્તાનના રાવલપિંડીમાં મિલિટ્રી હોસ્પિટલમાં જોરદાર બ્લાસ્ટ થયો છે. ૧૦ લોકોને ઈમર્જન્સી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જૈશ-એ-મોહમ્મદનો ચીફ મૌલાના મસૂદ અઝહર પણ અહીં દાખલ હતો. આર્મી દ્વારા મીડિયાને બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે. મીડિયાને આ સ્ટોરી કવર ના કરવા સખત મનાઈ ફરમાવી છે.

બીજી તરફ પાકિસ્તાન સરકાર કે આર્મી દ્વારા આ સમાચાર અંગે હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા હાલમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. ત્યાર બાદથી પાકિસ્તાન સરકારે તેને નજરબંધ કરી દીધો છે. મસૂદ અઝહરને ૧૭ વર્ષ પહેલાં કંધાર હાઇજેક કેસમાં ભારતે છોડી મુક્યો હતો.

(7:31 pm IST)