મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

આંધ્રપ્રદેશ : નાયડુની બિલ્ડિંગ તોડવાનુ કામ આજથી શરૂ થશે

મુખ્યમંત્રીના આદેશ બાદ આજથી પ્રક્રિયા શરૂ : ચંદ્રબાબુ નાયડુએ હાલમાં પ્રજા વેદિકાને સરકારી આવાસ જાહેર કરવાની માંગ કરી હતી પરંતુ માંગણીને ફગાવાઈ

હૈદરાબાદ,તા.૨૪ : આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ જે બિંલ્ડિંગમાં રહે છે તે બિલ્ડિંગને તોડી પાડવાનો આદેશ મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ આપ્યા બાદ આવતીકાલથી બિલ્ડિંગને તોડી પાડવાનુ કામ શરૂ થશે. આને લઈને જોરદાર ઉત્તેજના રહે તેવી શક્યતા છે. ગત દિવસોમાં ચંદ્રબાબુ નાયડૂએ જગનમોહન રેડ્ડીને ચિઠ્ઠી લખીને પ્રજા વેદિકાને વિપક્ષના નેતાનું સરકારી આવાસ જાહેર કરવાની માગ કરી હતી. વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકારે શનિવારે એન.ચંદ્રબાબુ નાયડૂના અમરાવતી સ્થિત આવાસ પ્રજા વેદિકાને કબ્જામાં લીધો હતો. તેલુગુ દેશમ પાર્ટીએ તેને બદલાની ભાવનાથી કરાયેલી કાર્યવાહી કહી હતી. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે સરકારે પૂર્વ મુખ્યમંત્રી પ્રત્યે સદભાવના દાખવી ન હતી, તેમના સામાનને અમરાવતીના ઉંદાવલ્લીના ઘરની બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. ચંદ્રબાબુ નાયડુ જ્યારથી આંધ્રપ્રદેશમાંથી હૈદરાબાદ શિફ્ટ થયા ત્યારથી કૃષ્ણા નદીના કાંઠે ઉંદાવલ્લી સ્થિત આવાસમાં રહી રહ્યાં હતા.

પ્રજા વેદિકાનું નિર્માણ સરકારે આંધ્રપ્રદેશ રાજધાની ક્ષેત્ર વિકાસ પ્રાધિકરણ દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી આવાસના રૂપમાં કર્યુ હતું. પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ આવાસનો ઉપયોગ નાયડૂ ઓફિશીયલ કાર્યો સાથે જ પાર્ટીની બેઠકો માટે કરતા હતા. નાયડુએ આ મહિનાની શરૂઆતમાં મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીને પત્ર લખીને ઢાંચાનો ઉપયોગ બેઠકો માટે કરવાની મંજૂરી માગી હતી. તેમને સરકારને અપીલ કરી હતી કે તેઓ તેને વિપક્ષી નેતાનું આવાસ જાહેર કરી દે પરંતુ સરકારે પ્રજા વેદિકાને કબ્જામાં લેવાનો શુક્રવારે નિર્ણય કર્યો અને જાહેરાત કરી કે ક્લેક્ટરોનું સમ્મેલન અહીં કરવામાં આવશે. પહેલા આ સમ્મેલન રાજ્ય સચિવાલયમાં નક્કી થવાનું હતું.

(9:31 pm IST)