મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

ભાજપ કોંગ્રેસ મુકત ભારત અને ગાંધી મુકત કોંગ્રેસ ઇચ્છે છે

બીન ગાંધી નેતા પણ કોંગ્રેસનું સુકાન સંભાળી શકે છેઃ પણ ગાંધી-નહેરૂ નામ રાજકારણમાં ચાલુ જ રહેવું જોઇએઃ મણીશંકર ઐયરનું તડને ફડ

નવી દિલ્હીઃ કોંગ્રેસના સીનીયર નેતા મણીશંકર ઐયરનો દાવો છે કે નહેરૂ-ગાંધી નામવાળા અધ્યક્ષ વગર પણ કોંગ્રેસ જીવતી રહેશે. તેમણે રાહુલ ગાંધીની અધ્યક્ષપદ છોડવાની જીદ બાબતે પણ ભાજપા પર જ નિશાન તાકયું છે. તેમણે દાવો કર્યો છે કે ખરેખર તો ભાજપા જેમ કોંગ્રેસ મુકત ભારત ઇચ્છે છે તે જ રીતે ગાંધી મુકત કોંગ્રેસ પણ ઇચ્છે છે. પોતાના બટકબોલા બયાનોના કારણે પક્ષમાં અનેકવાર સાઇડમાં મુકી દેવાયેલા મણીશંકરનું બયાન એવા સમયે આવ્યું છે જયારે કોંગ્રેસ ગાંધી પરીવાર સિવાયની બહારના કોઇ નેતાને કોંગ્રેસનું અધ્યક્ષપદ આપવા માટે વિચારી પણ નથી રહી.

તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ છે કે અને પૂર્ણ વિશ્વાસ છે કે, નહેરૂ, ગાંધીના નામવાળા પ્રમુખ વગર પણ પક્ષ જીવીત રહેશે પણ તેના માટે નહેરૂ ગાંધી નામ પક્ષમાં સક્રિય રહે તે પણ જરૂરી છે જેથી જ્યારે પણ કોઈ ગંભીર મતભેદ ઉભા થાય ત્યારે તેને નિપટાવવામાં તેમની મદદ લઈ શકાય.

ઐયરે ઈતિહાસનો હવાલો દેતા કહ્યુ કે નહેરૂ ગાંધી પરીવાર સિવાયના લોકો પણ કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂકયા છે. આ માટે તેમણે યુ એન ઢેબરથી માંડીને બ્રહ્માનંદ રેડ્ડી સુધીના નામો ગણાવ્યા હતા. જો કે સીતારામ કેસરી જેવા નેતાનું નામ લેવાનું તે ભૂલી ગયા હતા. જેમને સોનિયા ગાંધીના કારણે અધ્યક્ષ પદ છોડવું પડયુ હતું. લોકસભામાં ખરાબ પ્રદર્શન પછી રાહુલ ગાંધીએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ અને બીજા કોઈ ગાંધીને પમ આ જવાબદારી ન સોંપવાની ભલામણ કરી હતી. ત્યારથી કોંગ્રેસ તેમનો વિકલ્પ શોધવાના પ્રયાસો કરી રહી છે.

(3:53 pm IST)