મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

ગુજરાત સહિત ૧૨ રાજ્યોમાં આવશે નવા ગવર્નર

કોહલીની ૫ વર્ષની મુદત ૧૬ જુલાઈએ પુરી થાય છેઃ કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળાની મુદત ૩૧ ઓગષ્ટે પુરી થાય છે

નવી દિલ્હી, તા. ૨૪ :. આવતા દિવસોમાં ૧૨ જેટલા રાજ્યોમાં નવા રાજ્યપાલોની નિમણૂક કેન્દ્ર સરકારે કરવાની છે. પ.બંગાળ, યુપી, ત્રિપુરા, નાગાલેન્ડ અને ગુજરાતના રાજ્યપાલની ૫ વર્ષની મુદત આવતા મહિને પુરી થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કલમ ૧૫૫ અને કલમ ૧૫૬ મુજબ રાષ્ટ્રપતિએ ગવર્નરની નિમણૂક કરવાની હોય છે. નવા રાજ્યપાલોમાં ભાજપના કેટલાક સિનીયર નેતાઓના નામ ચર્ચામાં છે.

ગુજરાતના ગવર્નર ઓ.પી. કોહલીની ૫ વર્ષની ટર્મ ૧૬ જુલાઈએ પુરી થઈ રહી છે તે પછી નાગાલેન્ડના ગવર્નર પી.બી. આચાર્યની મુદત ૧૮ જુલાઈએ પુરી થઈ રહી છે.

યુપીના ગવર્નર રામ નાઈક ૨૧ જુલાઈ, પ. બંગાળના ગવર્નર કે.એન. ત્રિપાઠી ૨૩ જુલાઈ અને ત્રિપુરાના ગવર્નર કપ્તાનસિંહ સોલંકી ૨૬ જુલાઈએ ટર્મ પુરી કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના ગવર્નર વિદ્યાસાગર રાવ ૨૯ ઓગષ્ટે, ગોવાના ગવર્નર મૃદુલા સિંહા ૩૦ ઓગષ્ટે અને કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા ૩૧ ઓગષ્ટે ટર્મ પુરી કરી રહ્યા છે.

છત્તીસગઢમાં પણ સરકાર નવા ગવર્નર નિમશે કારણ કે મ.પ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલ પાસે ત્યાંનો પણ ચાર્જ છે.

કેરળના ગવર્નર પી. સથાશિવમ સપ્ટેમ્બરમાં રાજસ્થાનના ગવર્નર કલ્યાણ સિંહ સાથે ટર્મ પુરી કરી રહ્યા છે.

મિઝોરમમાં પણ સરકારે નવા ગવર્નર નિમવાના છે.

(11:44 am IST)