મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

દેશભરમાં સમાન વેતનનો નિયમ લાગુ થશે

બિલને આગામી સપ્તાહમાં કેબીનેટની મંજૂરી મળે તેવી શકયતા મહિલાઓ અને મજૂરોને થશે ફાયદો

નવી દિલ્હી તા. ર૪ :.. સરકાર દેશભરના મજૂરોને ટૂંક સમયમાં લઘુતમ વેતનની ભેટ આપી શકે છે. આ દિશામાાં આગળ વધતા શ્રમ મંત્રાલયે આગામી અઠવાડીયે વેતન સંહિતા ખરડાના મુસદાને મંજૂરી માટે કેબીનેટ સમક્ષ રજૂ કરી શકે છે. કેબીનેટની મંજૂરી આપ્યા પછી આ ખરડો સંસદના ચાલુ સત્રમાં મુકવામાં આવશે. એક સૂત્રએ કહયું કે મંત્રાલય આ ખરડાને હાલના સત્રમાં પસાર કરાવવા ઇચ્છે છે. સંસદમાં આ ખરડાને મંજૂરી મળ્યા પછી દેશભરમાં મજૂરોને માટે એક સમાન લઘુતમ વેતન આપવાનો રસ્તો સાફ થઇ જશે. ખરડામાં જોગવાઇ કરાઇ છે કે કેન્દ્ર સરકાર રેલ્વે અને ખાણ સહિત કેટલાક ક્ષેત્રો માટે લઘુતમ મજૂરી નકકી કરશે. જયારે રાજયો અને ક્ષેત્રોના રોજમદારો માટે લઘુતમ મજૂરી નકકી કરવા માટે સ્વતંત્ર રહેશે. ખરડાના મુસદામાં કહેવાયું છે કે લઘુતમ મજૂરીમાં દર પાંચ વર્ષે સુધારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મહીનાની શરૂઆતમાં, ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી. આંતર મંત્રાલય મીટીંગમાં શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે કહયું હતું કે તેમનું મંત્રાલય આ ખરડાને ચાલુ સત્રમાં પસાર કરાવવાનો પ્રયત્ન કરશે. એ બેઠકમાં નાણા પ્રધાન સીતારમણ તથા વાણિજય અને રેલ્વે પ્રધાન પિયુષ ગોયલ પણ હાજર હતાં.

વેતન સંહિતા ખરડો ૧૦ ઓગસ્ટ ર૦૧૭ ના રોજ લોકસભામાં રજૂ કરાયો હતો. ત્યાર પછી ર૧ ઓગસ્ટ ર૦૧૭ ના રોજ તેને સંસદની સ્ટેન્ડીંગ કમીટીને મોકલી અપાયો હતો. કમીટીએ પોતાનો રીપોર્ટ ૧૮ ડીસેમ્બર ર૦૧૮ એ પોતાનો રીપોર્ટ સોંપી દીધો હતો. ૧૬ મી લોકસભા ભંગ થવાથી આ ખરડો પસાર નહોતો થઇ શકયો હવે આ ખરડાને સંસદમાં મુકવા માટે મંત્રાલયે કેબિનેટની મંજૂરી લેવી જરૂરી છે. સુત્ર અનુસાર, કેબીનેટ આ ખરડાને આવતા મહીને મંજૂરી આપી શકે છે.

સરકાર દ્વારા પરિકલ્પિત ચાર સંહિતાઓમાંથી એક વેતન સંહિતા છે. આ ચર સંહિતાઓ જૂના ૪૪ શ્રમ કાયદાઓનું સ્થાન લેશે. તેનાથી રોકાણકારોની સવલત અને આર્થિક વૃધ્ધિને પ્રોત્સાહન માટે રોકાણને આકર્ષિત કરવામાં મદદ કરશે. આ ચાર સંહિતાઓ છે. વેતન, સામાજીક સુરક્ષા, ઔદ્યોગિક સુરક્ષા અને કલ્યાણ તથા ઔદ્યોગીક સંબંધો, વેતન સંહિતા ખરડો, મજૂરી ચુકવણી અધિનીયમ ૧૯૩૬, લઘુતમ મજૂરી કાયદો ૧૯૪૮, બોનસ ચુકવણી કાયદો ૧૯૬પ અને સમાન મંજૂરી અધિનીયમ ૧૯૭૬ ની જગ્યા લેશે.

નવા ખરડામાં મહિલા કર્મચારીઓની સુરક્ષાને સર્વોપરી ગણવામાં આવી છે. ખરડા અનુસાર, મહિલાઓ માટે કામકાજનો સમય સવારે ૬ થી સાંજના સાત વચ્ચેનો હોવો જોઇએ. જો આ સમયગાળા પછી મહિલાઓ કામ કરે તો નોકરીદાતાએ તેમની સુરક્ષાની વ્યવસ્થા કરવી પડશે. આ ઉપરાંત, રજાના દિવસે મહિલા કર્મચારીને કામ પર નહીં બોલાવી શકાય. જો બોલવવી અત્યંત જરૂરી હોય તો નોકરીદાતાએ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડશે.

શ્રમ અને રોજગાર મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું, 'નવા ખરડામાં અમે મજૂરો માટે કાયદાને સરળ અને વધારે સારો બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે મજૂરો અને નોકરી દાતાઓના અધિકારોને સમતોલ બનાવવાની કોશિષ કરી છે. તેના દેશભરના મજૂરોને ફાયદો મળશે.'

(11:42 am IST)