મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

૫૦ ટકાથી વધુ સાંસદો પહેલીવાર લોકસભા પહોંચ્યા

૧૭મી લોકસભાની રચનામાં ૧૩ રાજ્યોના લોકોએ નવા ચહેરા પસંદ કર્યાઃ નવા સાંસદોમાં મોટાભાગના નાના રાજ્યોનાઃ યુપી-બિહારમાં ટકાવારી ઓછી રહી

નવી દિલ્હી, તા. ૨૪ :. તેર રાજ્યોના લોકોએ ૧૭મી લોકસભામાં જૂના અને અનુભવી નેતાઓને ચૂંટવાને બદલે નવા ચહેરાઓ પસંદ કર્યા છે. આ રાજ્યોમાં ૫૦ ટકાથી વધારે સાંસદો એવા છે જે પહેલીવાર લોકસભામાં પહોંચ્યા છે.

લોકસભા સચિવાલય દ્વારા કરાયેલા વિશ્લેષણમાં આ રોચક તથ્ય બહાર આવ્યું છે. નવા સાંસદો ચૂંટવામા આગળ રહેલા મોટાભાગના રાજ્યો નાના અથવા મધ્યમ છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર જેવા રાજ્યોમાં આ ટકાવારી ઓછી રહી છે. લોકસભાના કુલ ૫૪૨માંથી ૨૬૫ સંસદ સભ્યો પહેલીવાર જીત્યા છે. જે કુલ સંસદ સભ્યોના ૪૯ ટકા છે. પહેલીવાર ચૂંટાયેલ સાંસદોમાં ૪૬ મહિલાઓ છે. સંસદમાં કુલ ૪૮ મહિલા સંસદ સભ્યો છે. આમ પહેલીવાર લોકસભામાં જીતનાર મહિલા સંસદ સભ્યો ૫૯ ટકા છે. જ્યારે પુરૂષોની ટકાવારી ૪૭ છે. વિશ્લેષણ અનુસાર, જે ૧૩ રાજ્યોમાં પહેલીવાર જીતેલા સંસદ સભ્યોની ટકાવારી ૫૦થી વધારે છે, તેમાં બે નાના રાજ્યો મણિપુર અને ત્રિપુરા પણ છે. આ રાજ્યોની બે બે બેઠકો છે. જેમાં નવા ઉમેદવારો ચૂંટાયા છે. આમ આ બે રાજ્યોની ટકાવારી ૧૦૦ ટકા છે.

છત્તીસગઢમાં ૯૧ ટકા, ઓરિસ્સામાં ૭૬, આંધ્ર પ્રદેશમાં ૭૨, તેલંગાણામાં ૭૦, તમિલનાડુમાં ૬૮ અને આસામમાં ૬૫ ટકા નવા સંસદ સભ્યો ચૂંટાયા છે. અન્ય રાજ્યોમાં પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને કેરળ સામેલ છે. સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૩૨ એટલે કે ૩૯ ટકા, જ્યારે બિહારમાં ૪૦, મહારાષ્ટ્રમાં ૪૦, કર્ણાટકમાં ૪૦ અને ઝારખંડમાં ૩૫ ટકા નવા ચહેરાઓ ચૂંટાયા છે.

(10:18 am IST)