મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

માયાવતીનો આરોપ - અખિલેશે મને મુસલમાનોને વધારે ટિકિટ આપવા ના દીધી

હારનુ ઠીકરૂ અખિલેશ ઉપર ફોડયું

નવી દિલ્હી, તા.૨૪: બસપાની ઝોનલ કોર્ડિનેટરો અને સાંસદોની મીટિંગમાં રવિવારે માયાવતીએ અખિલેશ યાદવ ઉપર દ્યણા પ્રહારો કર્યા હતા. લોકસભા ચૂંટણીમાં પરાજય માટે અખિલેશને જવાબદાર ગણાવ્યો હતો. માયાવતીએ કહ્યું હતું કે અખિલેશે મને મુસલમાનોને વધારે ટિકિટ આપવાની ના પાડી હતી. તેણે મને કહ્યું હતું કે આનાથી ધ્રુવીકરણ થશે અને બીજેપીને ફાયદો થશે.

માયાવતીએ કહ્યું હતું કે તાજ કોરિડોર વાળા કેસમાં મને ફસાવવા પાછળ બીજેપી અને મુલાયમ સિંહનો હાથ છે. આ સિવાય સપાએ પ્રમોશનમાં અનામતનો વિરોધ કર્યો હતો જેથી દલિતો, પછાતોએ તેને વોટ આપ્યા ન હતા. માયાવતીએ કહ્યું હતું કે બસપાના પ્રદેશ અધ્યક્ષ આરએસ કુશવાહાને સલીમપુર સીટ પરથી સમાજવાદી પાર્ટીના વિધાયક દળના નેતા રામ ગોવિંદ ચૌધરીએ હરાવ્યા હતા. તેમણે સપાના વોટ બીજેપીમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જોકે અખિલેશ તેની સામે કોઈ કાર્યવાહી કરી ન હતી.

માયાવતીએ કહ્યું હતું કે પરિણામ આવ્યા પછી અખિલેશે મને કયારેય ફોન કર્યો નથી. સતીષ મિશ્રાએ તેને કહ્યું હતું કે તે મને ફોન કરે છતા પણ તેણે ફોન કર્યો ન હતો. મેં મોટા હોવાની ફરજ નિભાવી હતી અને પરિણામના દિવસે ૨૩ તારીખે તેને ફોન કરીને પરિવારના હારવા પર અફસોસ વ્યકત કર્યો હતો. માયાવતીએ કહ્યું હતું કે સપા શાસનમાં દલિતો ઉપર જે અત્યાચાર થયા હતા તે પરાજયનું કારણ બન્યું છે. ઘણા સ્થાને સપા નેતાઓએ બસપા ઉમેદવારોને હરાવવા માટે કામ કર્યું હતું.

 

(10:13 am IST)