મુખ્ય સમાચાર
News of Monday, 24th June 2019

જવેલરી રિ-ઇમ્પોર્ટ સમયે વસૂલાતોઃ GST દૂર કરવાનો માર્ગ મોકળો

રિ- ઇમ્પોર્ટ સમયે એકસાઇઝ લાગતી ન હોવાની સ્પષ્ટતાથી રાહતઃ વર્ષ ૨૦૧૬-૧૭માં સેંકડો લોકોને એકસાઇઝ મુદ્દે નોટિસ ફટકારાઇ હતી

મુંબઇ, તા.૨૪: બે દિવસ પહેલા કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય દ્વારા બે વર્ષ જૂના એકસાઇઝના કિસ્સામાં રિ-ઇમ્પોર્ટ સમયે એકસાઇઝ લાગુ પડતી નહિ હોવાની રાહતરૂપી સ્પષ્ટતા કરી છે. આ સ્પષ્ટતાના આધારે થોડા અરસાથી રિ-ઇમ્પોર્ટ સમયે વસૂલ કરવામાં આવતા આઇજીએસટીને દૂર કરવાની માગનો પણ ઉકેલ આવવાની શકયતા જોવાઇ રહી છે.

 

ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાઓ મુજબ, ભૂતકાળમાં વર્ષ ૨૦૧૬-૧૭માં એકસાઇઝ સંબંધિત સુધારામાં કિન્સાઇન્ટમેન્ટ બેઝડ પર વિદેશમાં લઇ જવાયેલી અને વેચાણ નહિ કરાયેલી જવેલરી પર પણ એકસાઇઝ વસૂલાતની જોગવાઇ કરવામાં આવી હતી. જેમા ક્રેડિટ ઓપ્શન પસંદગી માટે ૧૨.૫ ટકાનો સ્લેબ અથવા ફ્લેટ ૧ ટકા એકસાઇઝનો વિકલ્પ રાખવામાં આવ્યો હતો. આ જોગવાઇ સામે જે તે વખતે વિરોધ ઊઠયો હતો અને એકિઝબિશન માટે વિદેશ લઇ જવાતી અને વેચાણ નહિ થયેલી રિ-ઇમ્પોર્ટ કરાતી જવેલરી પર એકસાઇઝ વસૂલાત અયોગ્ય હોવાની રજૂઆત થઇ હતી. ઉપરાંત એકસાઇઝ ભરવાના સ્થાને વિરોધ સાથે બોન્ડ કે એલયુટી હેઠળ જવેલરી રિ-ઇમ્પોર્ટ કરવાની ગોઠવણ કરવામાં આવી હતી. જે તે સમયે ડિપાર્ટમેન્ટ દ્વારા સેંકડો લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. આ કિસ્સામાં હવે, સ્પષ્ટતા કરાઇ છે કે, એકિઝબિશન માટે કન્સાઇન્ટમેન્ટ બેઝડ પર નિકાસ કરાયેલી અને બાદમાં રિ-ઇમ્પોર્ટ થતી જવેલરી પર એકસાઇઝ લાગુ પડશે નહિ.

જીજેઇપીસીના રિજિયન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યંુ હતંુ કે, આ સુધારો ભૂતકાળના કિસ્સાઓ માટે તો રાહતરૂપ છે જ પરંતુ, જીએસટી અમલી બન્યા બાદ જવેલરી રિ-ઇમ્પોર્ટ સમયે વસૂલ કરવામાં આવતા આઇજીએસટીના મુદ્દે પણ મદદરૂપ બની રહેશે. આ સુધારા- સ્પષ્ટતાના આધારે કેન્દ્રમાં રજૂઆત કરવામાં આવશે, જયારે જીએસટી કાઉન્સીલ દ્વારા પણ ઉદ્યોગના હિતમાં ઝડપી નિર્ણય લે તેવી સંભાવના વધી છે. જેમ-જવેલરી કાઉન્સીલના નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, આ સુધારો આઇજીએસટી વસૂલાતના કિસ્સામાં ઉદ્યોગને મદદરૂપ બની રહેશે.

(9:50 am IST)