મુખ્ય સમાચાર
News of Tuesday, 24th May 2022

શ્રીલંકામાં ઇંધણના ભાવ આસમાને : પેટ્રોલ 420 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના થયા 400 રૂપિયા પ્રતિ લીટર

પેટ્રોલના ભાવમાં 24.3 ટકા અને ડીઝલના ભાવમાં 38.4 ટકાનો ભારે વધારો

નવી દિલ્હી :  આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકામાં ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભડકો જોવા મળી રહ્યો છે. મંગળવારે પેટ્રોલના ભાવમાં 24.3 ટકા અને ડીઝલના ભાવમાં 38.4 ટકાનો ભારે વધારો જોવા મળ્યો છે. શ્રીલંકા વિદેશ મુદ્રા ભંડારની કમીના કારણે ભીષણ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.આ જ કારણ છે કે, પેટ્રોલિયમ ઉત્પાદનોમાં આટલો વધારો જોવા મળ્યો છે. દેશમાં પેટ્રોલની કિંમતમાં 82 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 111 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ દેસમાં પેટ્રોલની કિંમત 420 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 400 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઈ છે. જો કે, તેમ છતાં પણ ભારત કરતા ત્યાં પેટ્રોલ અને ડીઝલ સસ્તુ છે. 

ભારતીય કરન્સીના હિસાબે શ્રીલંકામાં પેટ્રોલની કિંમત 90.57 રૂપિયા અને ડીઝલની કિંમત 86.51 રૂપિયા પ્રતિ લિટર છે. તો વળી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા છે. એક ભારતીય રૂપિયાની કિમત શ્રીલંકાના 4.64 રૂપિયા બરાબર છે. શ્રીલંકામાં 19 એપ્રિલ બાદ તેલની કિંમતોમાં આ બીજી વાર વધારો આવ્યો છે. તેની સાથે જ સૌથી વધારે ઉપયોગમાં લેવાતા ઓક્ટેન 92 પેટ્રોલના કિંમત 420 રૂપિયા (1.17 ડોલર) પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 400 રૂપિયા (1.11 ડોલર) પ્રતિ લિટર હશે, જે અત્યાર સુધીના સૌથી ઉંચ્ચ ભાવ છે. 

(7:09 pm IST)