મુખ્ય સમાચાર
News of Monday, 23rd May 2022

હરિયાણાની રેશ્માએ બનાવ્યો રેકોર્ડ: એક દિવસમાં 33.8 લિટર દૂધ આપીને બની દેશની નંબર 1 ભેંસ

હરિયાણાના કૈથલના બૂઢા ખેડા ગામનો સુલતાન નામનો પાડો સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ પામ્યો હતો

હરિયાણાના કૈથલ ખાતે આવેલા બૂઢા ખેડા ગામનો સુલતાન નામનો પાડો સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ પામ્યો હતો. હવે સુલતાન તો નથી રહ્યો પરંતુ તેના માલિકને એક નવી ઓળખ તેની જ ભેંસ રેશમાએ અપાવી છે. મુર્રાહ નસલની રેશમા ભેંસે 33.8 લીટર દૂધ આપીને એક નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. હવે તે સમગ્ર ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભેંસ બની ગઈ છે. રેશમાએ પહેલીવાર જ્યારે બાળકને જન્મ આપ્યો તો 19-20 લીટર દૂધ આપ્યું હતું. બીજીવાર તેણે 30 લીટર દૂધ આપ્યું હતું. જ્યારે ત્રીજીવાર રેશમા માતા બની તો તેણે 33.8 લીટર દૂધ સાથે એક નવો રેકોર્ડ બનાવી દીધો હતો.

 ઘણા ડોક્ટર્સની ટીમે રેશમાનું 7 વખત દૂધ કાઢીને જોયું ત્યારબાદ તે ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભેંસ તરીકેની પુષ્ટિ પામી હતી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) તરફથી હાલમાં જ 33.8 લીટર રેકોર્ડના સર્ટિફિકેટે રેશમાને ઉન્નત પ્રજાતિની પહેલા નંબરની શ્રેણીમાં લાવી દીધી છે. રેશમાના દૂધના ફેટની ગુણવત્તા 10માંથી 9.31 છે.

રેશમાના દૂધને દોહવા માટે 2 લોકોએ મહેનત કરવી પડે છે. કારણ કે આટલું દૂધ દોહવું એ એક વ્યક્તિ માટે મુશ્કેલ છે. રેશમાએ ડેરી ફાર્મિંગ એસોસિએશન તરફથી યોજવામાં આવેલા પશુ મેળામાં 31.213 લીટર દૂધ સાથે પ્રથમ પુરસ્કાર જીત્યો છે. આ ઉપરાંત અન્ય ઘણા ઈનામ રેશમાએ જીત્યા છે.

રેશમાના માલિક નરેશ તેમજ રાજેશે જણાવ્યું કે, સુલતાને અમને એ નામના આપી હતી જેના કારણે દેશ-પ્રદેશમાં દરેક વ્યક્તિ અમને ઓળખતી થઈ ગઈ છે. તેની ખોટ હંમેશા વર્તાશે પરંતુ હવે અમે અન્ય કોઈ પાડો તૈયાર કરીશું. પશુઓમાં ઘણી નામના મેળવી પરંતુ સુલતાન જેવું કોઈ નથી. હવે મુર્રાહ નસલની રેશમા ભેંસ પણ ઘણું બધુ દૂધ આપીને નામના મેળવી રહી છે. તેણે સૌથી વધુ દૂધ આપીને રેકોર્ડ બનાવ્યો છે.

(1:07 am IST)