મુખ્ય સમાચાર
News of Sunday, 24th May 2020

લોકોમાં જાગી જબરદસ્ત ચર્ચા : બે મહિના સુધી 50 રૂપિયાના માસ્ક માટે અઢીસો-ત્રણસો રૂપિયા ખંખેરનારાઓ હવે 50 રૂપિયામાં N95 માસ્ક વેંચવા તૈયાર! : CM રૂપાણીએ અમૂલ પાર્લર પરથી 65 રૂપિયામાં N95 માસ્ક વેંચાણ કરવાની જાહેરાત કરી કે તુરંત ફેડરેશન ઑફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ ને રૂ. 50મા માસ્ક વેચવાની સદબુધ્ધિ આવી ગઈ?

ગુજરાત સરકાર જે N95 માસ્કનું વિતરણ કરી રહી છે તે એકદમ ભરોસાપાત્ર અને નિવડેલાં છે, એ જ માસ્ક એઇમ્સમાં પણ સપ્લાય થાય છે - કંપનીના માલિકનો દાવો

રાજકોટ : તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાનાં ફેસબુક લાઈવમાં એવી જાહેરાત કરી હતી કે, રાજ્યનાં તમામ અમૂલ પાર્લર પરથી N95 માસ્ક માત્ર 65 રૂપિયામાં અને સાદો માસ્ક ફક્ત પાંચ રૂપિયામાં મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે. તેમની આ જાહેરાતને ચોતરફથી આવકાર મળ્યો છે અને પાર્લર પરથી ચપોચપ માસ્ક વેંચાઇ રહ્યા છે. આ જોતા મેડિકલ સ્ટોર્સના સંગઠન, "ફેડરેશન ઑફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ" દ્વારા આજે એવી જાહેરાત કરવામાં આવી હતી કે, દવાઓની દુકાનમાં હવે N95 માસ્ક ફક્ત 50 રૂપિયામાં મળશે! આ નિર્ણય બદલ તેમને ખરેખર અભિનંદન, પણ લોકોનો સવાલ એ છે કે, આટલો સુંદર, ઉમદા વિચાર તેમને આટલો મોડો કેમ આવ્યો હશે? ચાલીસ રૂપિયાની પડતર હોય તેવા માસ્કના અઢીસો-ત્રણસો રૂપિયા 2 - 3 મહિના સુધી ખંખેર્યા પછી હવે ઠેઠ જ આવી સદબુદ્ધિ કેમ સૂઝી હશે?

ખરા અર્થમાં કહીએ તો પગ નીચે રેલો આવ્યા બાદ જ  આ જાહેરાત થઈ હશે તેવું લાગી રહ્યું છે. સંખ્યાબંધ કેમિસ્ટ આવા સંકટ વેળાએ પણ બેફામ નફાખોરી કરી રહ્યા હતા, કોઈનું પણ તેઓ માનતા ન હતા, એવી લોકલાગણી હતી. CM રૂપાણીની એક જાહેરાતે જ  કાળાબજારીયાઓને લાઇન પર લાવી દીધા તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે. પરિણામે સામાન્ય જનતાને વાજબી ભાવે N95 માસ્ક મળી રહેશે.

માસ્કને લઈ ને સવારથી માહોલ ગરમ હતો. અમૂલ પાર્લર પર મળતા માસ્કની ગુણવત્તા અંગે વાત વહેતી મુકવામાં આવી હતી. જો કે, એ માસ્કનું ઉત્પાદન કરતી કાનપુરની કંપનીનાં માલિક સંદીપ પાટીલે આ અફવાઓનો જડબાતોડ જવાબ ટ્વિટર પર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "ગુજરાત સરકાર જે N95 માસ્કનું વિતરણ કરી રહી છે તે એકદમ ભરોસાપાત્ર અને નિવડેલાં છે. એ જ માસ્ક એઇમ્સમાં પણ સપ્લાય થાય છે. કાનપુરની લેબમાં બનેલા આ માસ્કને અનેક ભારતીય એજન્સીઓની માન્યતા મળી છે. અમારા માસ્કને નબળાં સાબિત કરી દેવા અમે પડકાર ફેંકીએ છીએ!" ટૂંકમાં કહીએ તો વિજયભાઈ રૂપાણીની એક જાહેરાતે ઘણાં લોકોનાં ચહેરા પરનાં માસ્ક ઉતારી નાંખ્યા છે તેવું વર્તાય રહ્યું છે.

(11:51 pm IST)