મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

૧૯ રાજયોમાં તો કોંગ્રેસનું ખાતુ નહીં ખોલાયુ

ચારે દિશામાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ : નરેન્દ્ર મોદીની સુનામીમાં કોંગ્રેસના તો સુપડા સાફ થયા મહાગઠબંધન અને કોંગ્રેસ સહિત તમામને પછડાટ

નવી દિલ્હી,તા. ૨૪: લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસ પાર્ટી આઘાતમાં ગરકાવ છે. કારણ કે તેની હાલત ખુબ ખરાબ થઇ છે. કોંગ્રેસ પાર્ટીની હાલતનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે દેશની સૌથી જુની અને દેશમાં સૌથી વધારે સમય સુધી શાસન કરનાર પાર્ટી કોંગ્રેસ આ વખતે તો ૧૯ રાજ્યોમાં ખાતુ પણ ખોલી શકી નથી. ચારેય દિશામાં ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો છે. ઘઢ સીટો પર સ્થિતીની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ જોરદાર દેખાવ કર્યો છે. પોતાના તમામ ગઢને જાળવી રાખવામાં ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. સાથે સાથે કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડી દીધા છે. મોદી મેજિક વચ્ચે તમામ રાજકીય પક્ષોનો સફાયો થયો છે. એક્ઝિટ પોલના તારણ કરતા પણ વધુ શાનદાર  દેખાવ ભારતીય જનતા પાર્ટી કરી શકી છે. ઉત્તરપ્રદેશમાં માયાવતી અને અખિલેશ યાદવના મહાગઠબંધનની યોજના પણ ફ્લોપ સાબિત થઇ છે. બીજી બીજુ બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના ગઠબંધનને પણ કોઇ સફળતા હાથ લાગી નથી. લાલૂની ગેરહાજરીમાં આરજેડીનો સંપૂર્ણ સફાયો થયો છે. લોકસભાની કુલ ૫૪૨ સીટો પૈકી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએ દ્વારા ૩૫૦ સીટ  કબજે કરી લીધી છે. મોદી અને અમિત શાહ ભારતીય જનતા પાર્ટી માટે સુવર્ણ યુગ લાવવામાં સફળ સાબિત થયા છે. સમાજવાદી પાર્ટી અને બસપાના વોટના ટ્રાન્સફર નહીં થવાના કારણે પણ મહાગઠબંધનને જીત મળી નથી. આ વખતે કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં સંપૂર્ણપણે સાફ થઇ છે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસને માત્ર એક સીટ મળી શકી છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ચૂંટણી હારી ગયા છે. અમેઠી બેઠક ઉપર તેમની સ્મૃતિ ઇરાની સામે હાર થઇ છે.

(4:04 pm IST)