મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

આવકવેરાના સપાટામાં કોંગી મુખ્યમંત્રી કમલનાથના વિશ્વાસુ વ્યકિત આવી ગયા

ઢગલા મોઢે રોકડ અને ઝવેરાત મળી આવ્યું

નવી દિલ્હી તા. ર૪: લોકસભા ચુંટણીના પરિણામો આવ્યા પછી આવકવેરાના દરોડાઓ શરૂ થઇ ગયા છે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથના અંગત ગણાતા રાજેન્દ્ર મિગલાણીને ત્યાં ફરી આવકવેરા વિભાગનો દરોડો પડયો હતો. આ વખતે કોનોટ પ્લેસ, દિલ્હી ખાતે આવેલા સેફ ડીપોઝીટ વોલ્ટમાં મિગલાણીના લોકર પર દરોડો પડાયો હતો.

સુત્રો અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી આ રેડ ચાલી રહી છે. આ ક્રમમાં કમલનાથના અંગત રાજેન્દ્ર મિગલાણીના લોકરો પર ગુરૂવારે રાત્રે આવકવેરા વિભાગે દરોડો પાડયો હતો. જેમાં આવકવેરા વિભાગને ઘરેણા અને રોકડ મળી આવી હતી.

આ પહેલા ૭ એપ્રિલે કમલનાથના અંગત વ્યકિતઓ પર આવકવેરા વિભાગે દરોડાઓ પાડયા હતા. ૩૦૦ અધિકારીઓની ટીમે રેડ દિલ્હી, ભોપાલ, ઇન્દોર અને ગોવામાં પ૦ જગ્યાઓએ દરોડા પાડયા હતા. દિલ્હીમાં રાજેન્દ્ર મિગલાણીના ગ્રીનપાર્કમાં આવેલા ઘર પર દરોડો પડયો હતો. જેમાં રોકડની સાથે સાથે ઘરેણાઓ પણ ઝડપાયા હતા.

આ દરોડા બાબતે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું, ''મધ્ય પ્રદેશમાં જે થઇ રહ્યું છે તે બદલાની ભાવનાથી કરવામાં આવી રહ્યું છે. ચુંટણીના સમયે આ રીતે ધમકાવીને કેન્દ્ર અમારા કાર્યકર્તાઓમાં ડર ઉભો કરવા ઇચ્છે છે. મોદીજી આવું કરી રહ્યા છે એટલે મેં કહ્યું છે કે ઇડી અને આઇટીઓ દુરપયોગ થઇ રહ્યો છે. મુખ્ય પ્રધાન, તેમના અંગત સચિવ, સચિવોના ઘરો પર દરોડા પાડવાથી કોંગ્રેસ ડરવાની નથી.''

(3:43 pm IST)