મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

હવે રાજયસભામાં વિપક્ષની તાકાત ઘટાડશે બીજેપી

હાલ ભાજપ પાસે ૭૩ સાંસદો છેઃ બહુમતી માટે જોઇએ ૧૨૩: આ વર્ષે મનમોહન નિવૃત થાય છેઃ ૨૦૨૦માં કુલ ૭૨ સભ્યો નિવૃત થશે

નવીદિલ્હી, તા.૨૪: પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમ્યાન રાજયસભામાં ભાજપાને એક પછી એક ઘણા પડકારોનો સામનો કરવો પડયો. રાજયસભામાં બહુમતી ન હોવાના કારણે તે ઘણા ખરડાઓ પસાર કરવાના બદલે સદનની વિભિન્ન સમિતિઓને મોકલાવી આપ્યા એટલું જ નહીં. તેણે રાષ્ટ્રપતિના ભાષણમાં પણ સુધારા કરાવીને ભાજપાની ફજેતી કરાવવામાં કંઇ બાકી નહોતું રાખ્યું. લોકસભાના હાલના પરિણામોથી એવી આશા જાગી રહી છે કે ભાજપા અને તેના જોડીદારો થોડા સમયમાં રાજયસભામાં પણ બહુમતી મેળવી શકશે. આ સાથે જ આગામી દિવસોમાં ઘણા રાજયોમાં થનારી ચુંટણી પણ ભાજપા માટે રાહત લાવી શકે છે.

અત્યારે ભાજપા પાસે રાજયસભામાં ૭૩ સભ્ય છે. ઉપરાંત તેના સહયોગી પક્ષો એઆઇએડીએ મકેના ૧૩, જેડીયુનો એક શિરોમણી અકાલીદળના ૩ અને શિવસેનાના ૩ સભ્યો પણ છે. હાલના સમીકરણો પ્રમાણે તેને જરૂર પડયે ટીઆરએસઅને વાયએસઆર કોંગ્રેસના ૮ સભ્યોનો ટેકો પણ મળી શકે છે. આ રીતે ૨૪૫ સભ્યોની રાજયસભામાં એનડીએ પાસે હાલ ૧૦૧ સભ્યોનું સમર્થન છે. સદનમાં બહુમતી માટે ભાજપાને ૧૨૩ સભ્યોની જરૂર છે.

ચાલુ વર્ષે રાજયસભાના ૮ સભ્યો રીટાયર થવાના છે. જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ શામેલ છે. ત્યાર પછી ૨૦૨૦માં કુલ ૭૨ સભ્યો રીટાયર થશે. તેમાંથી ૫૫ એપ્રિલમાં અને એક ફેબુઆરીમાં રીટાયર થવાના છેે. આ સભ્યોમાં ઘણા ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ઓરિસ્સા અને મહારાષ્ટ્ર જેવા રાજયોના છે. જયાં ભાજપા અને તેના સાથીદારોની સભ્ય સભ્યા વધારે છે. આગામી દિવસોમાં હરિયાણા, મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર અને તમિલનાડુમાં રાજયસભાની ચુંટણી થવાની છે.

અત્યારની પરિસ્થિતી જોતા એવું માનવામાં આવે છે કે આવતા વર્ષે એપ્રિલમાં ભાજપા પોતાના સાથીઓની મદદથી રાજયસભામાં બહુમતી મેળવી લેશે.

(11:35 am IST)