મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

રાહુલ - પ્રિયંકા નિષ્ફળ : કોંગ્રેસે કરવું પડશે મંથન

નહી બદલાય હાઇકમાન નેતૃત્વ તો રાજકીય પાના સુધી પક્ષ સમેટાઇ જશે

નવી દિલ્હી તા. ૨૪ : લોકસભાની ચૂંટણી ૨૦૧૯ના પરિણામો સામે આવતા કોંગ્રેસમાં સન્નાટો ફેલાઇ ગયો. ચારેબાજુ ચર્ચા હતી કે જયારે પ્રિયંકા ગાંધીએ સત્તાવાર રાજકારણમાં જોડાઇ ઉત્તરપ્રદેશની જવાબદારી સંભાળી ત્યારે ઘણા કોંગ્રેસ કાર્યકર્તાઓને આશા હતી કે પ્રિયંકા ગાંધી કંઇક કમાલ કરશે. રાજકીય નિષ્ણાતોને પણ લાગતું હતું કે પ્રિયંકા ગાંધીના આવવાથી કોંગ્રેસમાં કંઇક બદલાવ આવશે. પરંતુ બધાની આશા અપેક્ષાઓ વચ્ચે કંઇક ઉલટા જ પરિણામો આવ્યા. તો શા માટે રાહુલ-પ્રિયંકા નિષ્ફળ નીવડ્યા અને કોંગ્રેસની હારનું સૌથી મોટું કારણ શું છે?

 

યુપીની વેતરણી પાર ઉતરી જવા માટે રાહુલ ગાંધીએ પ્રિયંકાને મહાસચિવ બનાવ્યા હતા પરંતુ યુપીમાં પ્રિયંકાનો જાદુ ચાલ્યો નથી. એક તો પ્રિયંકા વારાણસીમાં પીએમ મોદીની સામે ચૂંટણી જંગમાં ન ઉતર્યાં અને બીજી વાત પ્રિયંકાએ યુપીના ઉમેદવારોની પસંદગીમાં પોતાનું ધાર્યું કરાવ્યું હતું. તે વખતે પ્રિયંકાએ એવી જાહેરાત કરી કે મારા ઉમેદવારો જીતશે અથવા તો ભાજપના વોટ કાપશે, આ વાત મતદારોને ગળે ન ઉતરી.

કોંગ્રેસની ન્યાય યોજના પણ મતદારોને ગળે ઉતરી લાગતી નથી. પીએમ મોદીની રાહુલ-પ્રિયંકાની વધારે પડતી ટીકા ઉલટી પડી પરિણામસ્વરૂપે યુપીમાં કોંગ્રેસ સમેટાઈ ગયો.

યુપીમાં કોંગ્રેસના રકાસનું બીજું એક મુખ્ય કારણ એ પણ છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાગઠબંધનની ઘોર અવગણના કરી હતી. કોંગ્રેસે મહાગઠબંધન સાથે હાથ મીલાવ્યા હોત તો પરિણામ કંઈક જુદુ હોત. મહાગઠબંધનની ઉપેક્ષા રાહુલ-પ્રિયંકાને ભારે પડી બાલાકોટ પર આંગળી ઉઠાવવી તથા પીએમ મોદી પર અંગત પ્રહાર પણ કોંગ્રેસની હારનું એક મોટું કારણ છે.

લોકસભા ચૂંટણીના પરિણામો રાહુલ ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી માટે ખરાબ સપનાથી કમ નથી. મોદીની જીત અટકાવવા માટે પ્રિયંકા ગાંધીને ઉત્તરપ્રદેશની બાગડોર તો સોંપી દેવાઈ પણ પ્રિયંકાનો જાદુ ત્યાં કામ ન આવ્યો.

પ્રિયંકાએ વોટ માટે બોટ યાત્રા કરી અને ઉત્તરપ્રદેશમાં મોદી લહેર અટકાવવાનો પ્રયાસ કર્યો પણ મોદીનો મેજિક સહેજ પણ ન ઓસર્યો.

જયાં સુધી પ્રિયંકાને કોઈ પદભાર સોંપવામાં નહોંતો આવ્યો ત્યાં સુધી પ્રિયંકા સોનિયા ગાંધીની રાયબરેલી અને રાહુલ ગાંધીની અમેઠી બેઠક પર પ્રચાર પૂરતાં જ સિમિત રહેતા હતાં. પરંતુ જયારથી પ્રિયંકાએ સક્રિય રાજકારણમાં એન્ટ્રી કરી ત્યારથી કોંગ્રેસમાં ઘણો આશાવાદ હતો. પરંતુ લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીથી કોંગ્રેસને કોઈ ફાયદો મળ્યો નહીં.

એક સમયે પ્રિયંકાએ વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડવાની વાત કરી હતી. ત્યારે રાજકીય માહોલ રસપ્રદ પણ બન્યો હતો. પરંતુ ત્યારબાદ પ્રિયંકા મોદી સામે ચૂંટણીમાં ન ઊભા રહેતાં તેનો ખોટો મેસેજ પણ લોકોમાં ગયો. કોંગ્રેસના કાર્યકરો પણ પ્રિયંકાના આ પગલાથી નારાજ થયા હતાં. જો પ્રિયંકા અને મોદી સામે લડ્યા હોત તો કદાચ યૂપીનું ગણિત જુદું હોત તેવું ખુદ કોંગ્રેસના કાર્યકરોનુ માનવુ હતું.

ઉતાવળે પ્રિયંકાની સક્રિય રાજનીતીમાં એન્ટ્રી તો થઈ ગઈ પણ તે કોંગ્રેસને કંઈ કામ ન આવી. હવે પ્રિયંકા ગાંધીની ભૂમિકા કોંગ્રેસમાં વધશે કે ઘટશે તે પણ જોવાનું રહેશે. એટલે પ્રિયંકાના નેતૃત્વ પર કેટલો ભરોસો કરવો તેના પર પણ મનોમંથન કરવું કોંગ્રેસ માટે જરૂરી બની ગયું છે.

(10:33 am IST)