મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

લોકો સિધ્ધુને કેમ પૂછી રહ્યા છે કે રાજનીતિમાંથી કયારે નિવૃત્તિ લેશો?

સિધ્ધુએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી અમેઠીમાંથી હારી જશે તો તે રાજનીતિમાં નિવૃત્તિ જાહેર કરી દેશે

નવી દિલ્હી તા. ૨૪ : કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ઘુ હંમેશા પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદિત નિવેદન કરવાના કારણે સિદ્ઘુ ઉપર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો હતો. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ઉપર પણ આરોપ લગાવ્યા હતા. હવે લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા પછી સિદ્ઘુ ટ્રોલ થઈ રહ્યો છે.

ટ્રોલ થવાનું કારણ એ છે કે સિદ્ઘુએ કહ્યું હતું કે જો રાહુલ ગાંધી અમેઠીમાંથી હારી જશે તો તે રાજનીતિમાં નિવૃત્તિ જાહેર કરી દેશે. સિદ્ઘુએ બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઇરાનીના એ દાવાને ફગાવી દીધો હતો કે તે રાહુલ ગાંધીને ટક્કર આપી રહી છે. જોકે હવે પરિણામ બધાની સામે છે. ગાંધી પરિવારનો ગઢ બીજેપીએ જીતી લીધો છે. લોકો હવે સિદ્ઘુને પુછી રહ્યા છે કે તે કયારે રાજનીતિમાંથી નિવૃત્તિ લેશે.

ટ્વિટર ઉપર લોકો સિદ્ઘુને ટેગ કરીને તેના નિવેદનનો ઉલ્લેખ કરીને સતત પૂછી રહ્યા છે કે તે કયારે રાજનીતિને અલવિદા કરશે. કેટલાક લોકો કહી રહ્યા છે કે સરદાર પોતાની વાતોથી પાછા હટતા નથી જેથી સિદ્ઘુએ નિર્ણય લઈ લેવો જોઈએ.

એક યૂઝરે લખ્યું છે કે તમે કહ્યું હતું કે જો રાહુલ અમેઠીથી હારી જશે તો રાજનીતિમાંથી રાજીનામું આપી દઈશ. સમય આવી ગયો છે. અમે તમારા રાજીનામાની રાહ જોઈ રહ્યા છીએ. કોંગ્રેસના કારમાં પરાજય પછી પાર્ટીમાં વિવાદ શરૂ થઈ ગયો છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કોંગ્રેસ પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે પોતાની જ સરકારના મંત્રી નવજોત સિંહ સિદ્ઘુને જવાબદાર ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે સિદ્ઘુ પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાને ભેટ્યા હતા જેથી અમને નુકસાન થયું છે.

(10:06 am IST)