મુખ્ય સમાચાર
News of Friday, 24th May 2019

માયાવતીની વડાપ્રધાન બનવાની ઇચ્છા ધૂળમાં મળી ગઇ

ભાજપે ઉત્તર પ્રદેશમાં બસપા અને સપાના ગઠબંધનને ધોબીપછાડ આપી

લખનઊ તા. ૨૪ : માયાવતીએ વડા પ્રધાન બનવાની ઈચ્છા કયારેય વધારે શબ્દોમાં વ્યકત નહોતી કરી, પરંતુ લોકસભાની ચૂંટણીનાં પ્રચાર અભિયાન દરમિયાન તેમણે એવા પૂરતા સંકેત આપ્યા હતા કે જો વિપક્ષ ભાજપનો રથ રોકવામાં સફળ રહેશે તો તેઓ વડા પ્રધાનપદની સ્પર્ધામાં હશે.

આંબેડકરનગર ખાતે યોજાયેલી એક સભામાં માયાવતીએ એ યાદ તાજી કરી હતી કે ભૂતકાળમાં તેઓ આ બેઠક પરથી લોકસભામાં ચૂંટાઈ આવ્યાં હતાં. સમય જ કહેશે જો બધું સારી રીતે પાર પડશે તો મારે અહીંથી ફરી ચૂંટણી લડવી પડશે.

જો દિલ્હીનો માર્ગ ખુલ્લો થાય તો શકયતા છે કે તેઓ બાદમાં અહીંથી ચૂંટણી લડીને સંસદમાં પહોંચશે, એમ તેમણે કહ્યું હતું. જોકે, ચાર વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રહેલાં માયાવતી માટે આ વખતની લોકસભાની ચૂંટણીનાં પરિણામો નિરાશાજનક રહ્યાં છે.

વર્ષ ૧૯૯૫માં માયાવતી જયારે પ્રથમ વખત ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન બન્યાં હતાં ત્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહરાવે તેમને લોકશાહીનો ચમત્કાર લેખાવ્યા હતા. ભાજપે ઉત્તર પ્રદેશમાં બસપા અને સપાના ગઠબંધનને ધોબીપછાડ આપી છે. જોકે, માયાવતીનાં પક્ષે વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણીમાં સારો દેખાવ કર્યો છે. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બસપાને એક પણ બેઠક નહોતી મળી.

(10:08 am IST)