મુખ્ય સમાચાર
News of Thursday, 24th May 2018

અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેનું ટેન્શન વધ્યું : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 12 જૂને સિંગાપુરમાં થનારી નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથેની ઐતિહાસિક શિખર વાર્તા રદ કરી હોવાનું વ્હાઈટ હાઉસે સત્તાવાર જાહેર કર્યું : વ્હાઇટ હાઉસના પ્રવકતાએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં જ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને કરેલા વિવાદિત નિવેદનથી એવું પ્રતીત થાય છે કે હાલમાં આ શિખર વાર્તા કરવાનો કોઈ મતલબ રહેતો નથી અને હજુ પણ ઉત્તર કોરિયાના મનમાં અમેરિકા પ્રત્યે ભયંકર ઉગ્રતા અને દુશ્મનાવટ તેમના આવા નિવેદનોમાં છલકાઈ આવે છે : આ સમયે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ શિખર વાર્તા રદ કરતાં તેમને ખૂબ જ અફસોસ છે અને ભવિષ્યમાં ઉત્તર કોરિયાના કિમ જોન સાથે તેઓ શિખરવાર્તા યોજી શકે તેવું વાતાવરણ બનશે તેવો તેમને વિશ્વાસ છે

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે 12 જૂનના રોજ થનારી બેઠક રદ કરી નાખી છે. વ્હાઈટ હાઉસ તરફથી જારી એક પત્રમાં આ જાણકારી આપી છે. પત્રમાં ટ્રમ્પના હવાલે કહેવાયું છે કે હું તમારી સાથે ત્યાં હોવાને લઈને ખુબ આશાસ્પદ હતો પરંતુ દુ:ખની વાત છે કે તમારા હાલના નિવેદનોમાં જબરદસ્ત ગુસ્સો અને ખુલ્લેામ શત્રુતાનો આભાસ જોવા મળ્યો. મને લાગે છે કે આવા સમયે આ મીટિંગને ગોઠવવી યોગ્ય નથી.

અત્રે જણાવવાનું કે ઉત્તર કોરિયાએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શિખરવાર્તાના મુદ્દે ઉત્તર કોરિયાને ચેતવણી આપવા બદલ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસને અજ્ઞાની અને બેવકૂફ ગણાવ્યાં હતાં. હકીકતમાં પેન્સે સોમવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને ચેતવતા કહ્યું હતું કે ટ્રમ્પને અજમાવવા અને તેમની સાથે રમત રમવી એ ભારે ભૂલ ગણાશે.

પેન્સના આ નિવેદન પર ઉત્તર કોરિયાના વિદેશ મામલાઓના ઉપમંત્રી ચો સન હુઈએ તેમને અજ્ઞાની અને બેવકૂફ ગણાવ્યાં હતાં. પેન્સે પોતાની ચેતવણીમાં એમ પણ કહ્યું કે જો કિમ જોંગ ઉન કોઈ સમજૂતિ નથી કરતા તો ઉત્તર કોરિયાની દશા પણ લીબિયા જેવી થઈ શકે છે. જેના નેતા મુઅમ્મર ગદ્દાફીની અમેરિકી સમર્થિત વિદ્રોહીઓએ હત્યા કરી હતી. ચોએ આ અંગે એક નિવેદન જારી કર્યું જેને સરકારી સમાચાર સમિતિએ પ્રકાશિત કર્યુ છે.

 

ગત દિવસોમાં ટ્રમ્પે કહ્યું હતું કે 12 જૂનના રોજ થનારી બેઠક ટળે એવી પ્રબળ સંભાવના છે. ટ્રમ્પે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનનું સ્વાગત કર્યા બાદ વ્હાઈટ હાઉસની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે અમે સાથે આગળ વધી રહ્યાં છીએ. અમે જોઈશું કે આગળ શું થશે. જો તે નહીં થાય તો કદાચ પછી થશે.

અત્રે જણાવવાનું કે ઉત્તર કોરિયાએ ગત અઠવાડિયે દક્ષિણ કોરિયા સાથે થનારી વાતચીત રદ કરી હતી. હકીકતમાં તેણે દક્ષિણ કોરિયા અને અમેરિકાના સયુંક્ત સૈન્ય અભ્યાસથી નારાજ થઈને આમ કર્યુ હતું. ઉત્તર કોરિયાએ કહ્યું હતું કે અમેરિકા પરમાણુ હથિયારોને લઈને જો એકતરફી દબાણ બનાવશે તો તે વાતચીત રદ કરી શકે છે.

(12:13 am IST)