મુખ્ય સમાચાર
News of Thursday, 24th May 2018

હાફિઝ પાકિસ્તાનમાં સલામત નથી : ચીન

અન્ય દેશમાં મોકલી આપવા ચીનની પાકિસ્તાનને સલાહ

નવી દિલ્હી તા. ૨૪ : ૨૬/૧૧ મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોર તેમજ જમાત-ઉદ-દાવાના સ્થાપક હાફિઝ સઈદ સામે કાર્યવાહીને લઈને પાકિસ્તાન પર દબાણ વધી રહ્યું છે ત્યારે ચીને પાકિસ્તાનને હાફિઝ સઇદને કોઈ બીજા દેશમાં મોકલી દેવાની સલાહ આપી છે.

અંગ્રેજી વર્તમાનપત્ર 'ધ હિન્દુ'માં છપાયેલા રિપોર્ટ પ્રમાણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પાકિસ્તાનના વડાપ્રધાન શાહિદ ખકાન અબ્બાસીને કોઈ એવો રસ્તો શોધવાની સલાહ આપી છે જેનાથી સઇદ કોઈ પશ્યિમ એશિયન દેશમાં 'આરામની જિંદગી' વિતાવી શકે.

વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે અબ્બાસીના એક નજીકના સૂત્રએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, 'ચીનમાં BOAO ફોરમ વખતે બંને નેતાઓ વચ્ચે ૩૫ મિનિટ સુધી મુલાકાત થઈ હતી. જેમાં ૧૦ મિનિટ સુધી હાફિઝ સઇદના નામ પર ચર્ચા થઈ હતી. ચીનના રાષ્ટ્રપતિએ આ દરમિયાન અબ્બાસીને સઇદને સમાચારમાં ચમકવાથી દૂર રાખવાનો ઉપાય શોધવાની સલાહ આપી હતી.'

વર્તમાનપત્રએ જણાવ્યું કે, અબ્બાસીએ બાદમાં પોતાની સરકારની લીગલ ટીમ સાથે વાતચીત કરી હતી. હાલમાં ટીમ આ મામલે મંથન કરી રહી છે. અબ્બાસીનો કાર્યકાળ ૩૧મી મેના રોજ પૂરો થઈ રહ્યો છે, ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે સઇદ અંગે હવે આગામી સરકાર જ કોઈ નિર્ણય લેશે.

આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે જયારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે જાહેરમાં સ્વીકાર કર્યો છે કે દેશમાં અનેક આતંકી સંગઠન સક્રિય છે. તેમણે દેશની નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે કેવી રીતે 'નોન સ્ટેટ એકટર'ને સીમા પાર જઈને મુંબઈ પર હુમલો કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે.બીજી તરફ જમાત ઉદ દાવાનું કહેવું છે કે પાકિસ્તાન સરકાર અમેરિકા અને ભારતના દબાણ હેઠળ સઇદ સામે કાર્યવાહી કરી રહ્યું છે.

હાફિઝ સઇદે થોડા દિવસ પહેલા કરાચીમાં પોતાની ઓફિસમાં પત્રકારો સાથે વાતચીત કરતા એવું માનવાનો ઇન્કાર કરી દીધો હતો કે ચીન તેની સામે કોઈ પ્રતિબંધ લગાવશે અથવા તેને દેશમાંથી નીકળી જવાનું કહેશે.

નોંધનીય છે કે ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ થયેલા આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ સઇદને અમેરિકા, ભારત અને સંયુકત રાષ્ટ્રએ વૈશ્વિક આતંકી જાહેર કર્યો છે. અમેરિકાએ તેના પર પાંચ લાખ ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. દુનિયાભરના દબાણ હેઠળ પાકિસ્તાન સરકારે ગત વર્ષે હાફિઝ સઇદને નવ મહિના સુધી નજરકેદ કર્યો હતો. બાદમાં લાહોર હાઈકોર્ટના આદેશ બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો.(૨૧.૧૮)

(2:50 pm IST)