મુખ્ય સમાચાર
News of Saturday, 24th April 2021

ઓકસીજનની અછત મામલે દિલ્હી હાઇકોર્ટ આકરા પાણીએ

કોરોનાની લહેર નહિ સુનામી છે : જો કોઇ ઓકસીજનની સપ્લાય રોકશે તો તેને છોડશું નહિ : ફાંસીએ લટકાવશું

નવી દિલ્હી તા. ૨૪ : કોરોના વાયરસના કારણે દિલ્હીની સ્થિતિ ચિંતાજનક બની છે. ત્યારે દિલ્હી હાઇકોર્ટે હોસ્પિટલમાં ઓકિસજનની કમીને લઇ નારાજગી વ્યકત કરી છે. દિલ્હીમાં ઓકિસજનની અછતના કારણે સતત થઇ રહેલા મોતને લઇને મહામારીની ગંભીરતા વધતી જઇ રહી છે. આને ધ્યાને રાખીને દિલ્હી હાઈકોર્ટ પણ સતત સરકારને આ મામલે સવાલ પૂછી રહી છે.હવે દિલ્હી હાઈકોર્ટમાં ઓકિસજન સંકટના કેસ પર થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે હોસ્પિટલોમાં ઓકિસજનની અછત પર નારાજગી વ્યકત કરી છે. સાથે જ દિલ્હી સરકારને પૂછ્યું કે, દિલ્હીના લોકોને સમયસર ઓકિસજન મળી, તેના માટે સરકાર પોતાનો પ્લાન્ટ કેમ નથી લગાવતી. ત્યારે, કોર્ટે કેન્દ્ર પાસેથી પણ આ માહિતી માંગી કે દિલ્હીને કેટલું ઓકિસજન મળશે અને કેવી રીતે આવશે, આ અંગે જણાવો.

દિલ્હીના લોકોને ઓકિસજન ન મળવા પર હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, આ એક ગુનાકિય સ્થિતિ છે. જો કોઇ ઓકિસજન સપ્લાય રોકે છે તો અમે તેમને નહીં છોડીએ. કોર્ટ ઓકિસજનને લઇને ઉઠાવવામાં આવી રહેલા નિર્ણયોથી સંતુષ્ટ નથી. આ મામલે અમે કોઇને પણ નહીં છોડીએ, પછી તે નીચેનો અધિકારી હોય કે મોટો અધિકારી. લોકોને ઓકિસજન સપ્લાઈ કરવાના કેસમાં કેન્દ્ર સરકારને હજુ પણ કડક પગલા ભરવાની જરૂરિયાત છે. જીવન મૌલિક અધિકાર છે. હાઈકોર્ટે કેન્દ્રને કહ્યું- એક નક્કી તારીખ જણાવો, દિલ્હીને કયારે મળશે ૪૮૦ મેટ્રિક ટન ઓકિસજન ?

કોર્ટમાં મામલાની સુનાવણી દરમિયાન જસ્ટિસ વિપિન સાંઘીએ કહ્યું કે, અમે કેટલાક દિવસોથી સુનાવણી કરી રહ્યા છીએ. રોજ એક જ તરફની વાત સાંભળવા મળી રહી છે. સમાચારો અને ચેનોલમાં જણાવવામાં આવી રહ્યું છે કે પરિસ્થિતિ ગંભીર છે. હાઈકોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, તેઓ જણાવે કે દિલ્હીને કેટલું ઓકિસજન મળશે અને કેવી રીતે. આના પર કેન્દ્ર સરકારના વકિલે કહ્યું કે, અમારા અધિકારી ૨૪ કલાક કામ કરી રહ્યા છે. રાજયો સાથે વાત કરી રહ્યા છે, અમે રાજય સરકારો સાથે મળીને કામ કરી રહ્યા છીએ.કેન્દ્રએ દિલ્હી હાઈકોર્ટને ચેતવી છે. કહ્યું કે, આવનારા દિવસોમાં સ્થિતિ વધુ બગડી શકે છે, આપણે તૈયાર રહેવું પડશે.

ઓકિસજન સંકટને લઇને સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારના ઉપાયો પર પણ નારાજગી વ્યકત કરી. કોર્ટે કહ્યું કે, ઓકિસજનને લઇને દિલ્હીની આ રોજની પરિસ્થિતિ થઇ ગઇ છે. કોર્ટે કહ્યું કે, સરકાર ખુદ ઓકિસજન પ્લાન્ટ કેમ નથી લગાવી રહી, જેથી લોકોને સમયસર ઓકિસજન મળી શકે. આના પર વકિલ અગ્રવાલે કહ્યું કે, ૨ હોસ્પિટલોમાં ૩૦૬ દર્દી છે, જયાં ઓકિસજનની પણ અછત છે. અમે હોસ્પિટલોથી દર્દીઓને ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ, કેટલાક દર્દીઓને ડિસ્ચાર્જ કરી ચૂકાયા છે.

(3:38 pm IST)