મુખ્ય સમાચાર
News of Saturday, 24th April 2021

નિવૃત્ત થયેલા ચીફ જસ્ટીસ બોબડેનો ખુલાસો : અયોધ્યા કેસમાં શાહરૂખ ખાનને હું મધ્યસ્થી બનાવવા ઇચ્છતો હતો

શાહરૂખ ખાન પણ તૈયાર હતા... તેઓ ઇચ્છતા હતા કે મંદિરની આધારશિલા મુસ્લિમો દ્વારા થાય અને મસ્જિદની આધારશિલા હિન્દુઓ દ્વારા મુકવામાં આવે

નવી દિલ્હી તા. ૨૪ : અયોધ્યા મામલાના સમાધાન માટે નિવૃત્ત થયેલા ચીફ જસ્ટીસ એસ.એ.બોબડે બોલિવુડના અભિનેતા શાહરૂખ ખાનને મધ્યસ્થી બનાવવા ઇચ્છતા હતા. ચીફ જસ્ટીસે પોતાના વિદાય સમારોહ પ્રસંગે આ બાબતનો ખુલાસો કર્યો હતો. તેઓ ઇચ્છતા હતા કે શાહરૂખ ખાન અયોધ્યા ભૂમિ વિવાદના સમાધાનની મધ્યસ્થતા પ્રક્રિયાનો ભાગ બને.

આ રોચક તથ્યોનો ખુલાસો પહેલીવાર સુપ્રીમ કોર્ટ બાર એસો.ના અધ્યક્ષ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી વિક્રમસિંહે મુખ્ય ન્યાયધીશના વિદાય સમારોહના પ્રસંગે પોતાના સંબોધનમાં કર્યો હતો. અયોધ્યા વિવાદના સમાધાન માટે મધ્યસ્થતા સમિતિની રચના માર્ચ ૨૦૧૯માં તત્કાલિન ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના વડપણવાળી પાંચ ન્યાયધીશોની બંધારણીય પીઠે કરી હતી.

ન્યાયમૂર્તિ બોબડેના પ્રયાસોને વખાણતા સિંહે કહ્યું હતું કે, અભિનેતા આ માટે સહમત હતા પરંતુ આ પ્રક્રિયા આગળ વધી ન શકી. તેમણે કહ્યું હતું કે, બોબડે જ્યારે અયોધ્યા કેસ સાંભળતા હતા ત્યારે તેમનો મત હતો કેે સમસ્યાનું સમાધાન મધ્યસ્થતા થકી થાય.

સિંહે કહ્યું હતું કે, શાહરૂખ ખાને એવી ઓફર કરી હતી મંદિર માટેની આધારશિલા મુસ્લિમ દ્વારા રાખવામાં આવે અને મસ્જીદ માટેની આધારશિલા હિન્દુઓ દ્વારા રાખવામાં આવે પરંતુ મધ્યસ્થતાની પ્રક્રિયા નિષ્ફળ ગઇ અને આ યોજના અભેરાઇ ચડી ગઇ હતી.

(11:00 am IST)