મુખ્ય સમાચાર
News of Saturday, 24th April 2021

કોવિડ હોસ્પિટલમાં દાળ-શાકમાં મળ્યા કીડા : દર્દીઓએ મચાવ્યો હોબાળો

દેશમાં કોરોનાના દર્દીઓની સારસંભાળમાં તંત્રની બેદરકારીની વધુ એક ઘટના સામે આવી છે

હમીરપુર,તા.૨૪: ઉત્ત્।ર પ્રદેશના હમીરપુર જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં ગુરૂવારે બપોરે દર્દીઓને અયોગ્ય ભોજન આપવામાં આવ્યું હતું. દાળ અને શાકમાં કીડા જોઈને દર્દીઓએ ખાવાનું ફેંકી દીધું હતું અને હોબાળો મચાવ્યો હતો. હોબાળાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો જેને લઈને સીએમઓને તપાસના આદેશ આપ્યા છે.

હમીરપુર જનપદના સુમેરપુર વિસ્તારમાં પોલીટેકનિકના હોસ્ટેલમાં કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીં કોરોનાગ્રસ્ત ૧૩૦ દર્દીઓ દાખલ છે. દર્દીઓને સવારે નાસ્તો અને ચા આપવામાં આવી હતી. બપોરે દર્દીઓને જમવામાં દાળ અને રોટલી આપવામાં આવી હતી. એક દર્દીએ દાળમાં રોટલીનો ટૂકડો ડબોળ્યો તો તેમાં કીડો આવ્યો હતો અને તેણે બૂમ પાડી હતી. તમામ દર્દીઓએ જોયું તો ઘણા દર્દીઓની દાળમાં પણ કીડા જોવા મળ્યા હતા. જેને લઈને દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો.

હોસ્પિટલમાં દર્દીઓના હોબાળાને જોતાં કર્મચારીઓ હરકતમાં આવી ગયા હતા. સમજાવ્યા બાદ દર્દીઓને શાક આપવામાં આવ્યું હતું તો તેમાં પણ કીડા હતા. દર્દીઓએ ખાવાનું ફેંકીને હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ એક દર્દીએ તેનો વિડીયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધો હતો. સીએમઓ ડોકટર આરકે સચાને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા.

કોવિડ નોડલ પ્રભારી ડોકટર એમકે વલ્લભે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ તેની તપાસ કરાવવામાં આવી રહી છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલા જ અહીં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. ભોજન તથા અન્ય વ્યવસ્થા માટે ટેન્ડર આપવામાં આવ્યા નથી. હાલમાં ખાવા-પીવા માટે સ્થાનિક સ્તરે વ્યવસ્થા કરવામાં આવી છે.

(10:13 am IST)