મુખ્ય સમાચાર
News of Saturday, 24th April 2021

હરિયાણાથી ઓક્સિજનનું ટેન્કર નિકળ્યું પણ રસ્તામાં જ ગાયબ

કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની તિવ્ર અછત : ટેન્કર લઈને નીકળેલા ડ્રાઈવરનો પતો નથી, ટેન્કર જીપીએસ લોકેટર સિસ્ટમથી પણ સજ્જ નથી એટલે ટ્રેક કરવું મુશ્કેલ

ચંદીગઢ, તા. ૨૩ : દેશભરની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની અછત વચ્ચે હવે ઓક્સિજન ભરેલા ટેક્નરો પણ ચોરાવા માંડ્યા છે.

હરિયાણાની પાનીપત રિફાઈનરીથી સિરસા જવા માટે રવાના કરાયેલુ મેડિકલ ઓક્સિજન ભરેલુ ટેક્નર રસ્તામાં જ ગાયબ થઈ જવાના અહેવાલો બાદ તંત્ર દોડધામ કરી રહ્યુ છે.આ ટેક્નર લઈને નીકળેલા ડ્રાઈવરનો કોઈ પતો નથી.ટેક્નર જીપીએસ લોકેટર સિસ્ટમથી પણ સજ્જ નથી.એટલે તેને ટ્રેક કરવુ પણ શક્ય નથી.

આ મામલે ડ્રગ કંટ્રોલર ઓફિસ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે એક ટીમ બનાવીને ટેક્નરની શોધખોળ હાથ ધી છે.મળતી વિગતો પ્રમાણે રિફાઈનરીમાંથી આજે સવારે સંખ્યાબંધ ઓક્સિજન ભરેલા ટેક્નરોને રવાના કરાયા હતા.જોકે સિરસા જઈ રહેલુ એક ટેક્નર રસ્તામાં જ ગૂમ થયુ હતુ.તપાસમાં ખબર પડી હતી કે, રિફાઈનરીમાંથી નીકળ્યા બાદ થોડા જ સમયમાં ટેક્નર ચાલકનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો.

એવી પણ આશંકા છે કે, ટેક્નર ગુમ કરવાનુ કાવતરુ પ્લાનિંગ કરીને ઘડાયુ હશે.હવે પોલીસ ટેક્નર શોધવા દોડધામ કરી રહી છે.પાનીપત રિફાઈનરી દ્વારા મેડિકલ ઓક્સિજન સપ્લાય કરવાનુ બુધવારથી શરુ કરી દેવાયુ છે. આઈઓસીની રિફાઈનરીમાંથી ઓક્સિજનની પહેલી ખેપ દિલ્હી અને સિરસા રવાના કરાઈ હતી. આ રિફાઈનરી દ્વારા હરિયાણા, પંજાબ અને દિલ્હીમાં ૧૫૦ મેટ્રિક ટન ઓક્સિજનનો સપ્લાય કરવામાં આવશે.

(12:00 am IST)