મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ હવે ઉત્તર પ્રદેશમાં સભાઓ ગજવશે

અમદાવાદ :2019ની લોકસભા ચૂંટણીમાં હાર્દિક પટેલ કોંગ્રેસનો ગુજરાતમાં સ્ટાર પ્રચારક બન્યો હતો. બેક કુ બેક સભાઓ કરીને તેણે કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં ગઈકાલે મતદાન પૂરુ થતા હાર્દિકે હવે ઉત્તર પ્રદેશની વાટ પકડી છે. હાર્દિક પટેલ માત્ર ગુજરાત સ્તરનો નહિ, પરંતુ નેશનલ સ્તરે કોંગ્રેસનો સ્ટાર પ્રચારક બન્યો છે, જેને પગલે કોંગ્રેસનો સ્ટાર પ્રચારક આજે 24 એપ્રિલે દિવસભર યૂપીમાં પ્રચાર કરશે. હાર્દિક આજે યુપીમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે પ્રચાર કરશે.

કોંગ્રેસનો સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ આજે ઉત્તર પ્રદેશ જશે. તે આજે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના મતવિસ્તાર અમેઠી અને રાયબરેલીમાં પ્રચાર કરશે. આજે તે તિલોઈમાં કોંગ્રેસની જનસભાને સંબોધન કરશે. કોંગ્રેસના જિલ્લા પ્રવક્તા ચૌધરી સઉદે વિશે જણાવ્યું કે, અમેઠીમાં આવી રહેલ હાર્દિક પેટલ તિલોઈ વિધાનસભામાં અહોરવા ભવાની સહિત અનેક જગ્યાઓ પર આયોજિત સભાઓને સંબોધન કરશે. સાથે કેટલાક ગામડાઓનો પણ પ્રવાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વીરમગામમાં મતદાન કર્યા બાદ હાર્દિક પટેલે નરેન્દ્ર મોદી પર ચૌકીદાર શબ્દને લઈને આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, ચોકીદાર શોધવો હશે તો હું નેપાળ જતો રહીશ, પણ મને દેશ માટે વડાપ્રધાન જોઈએ છે. જે દેશની અર્થવ્યવસ્થાને, શિક્ષાને, યુવાઓ, જવાનોને મજબૂત કરી શકે. મને ચોકીદાર નહિ, પરંતુ વડાપ્રધાન જોઈએ છે.

(4:38 pm IST)