મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

રોહિત શેખર મર્ડર કેસમાં તેની પત્ની અપૂર્વાની ધરપકડ

પત્ની સાથે રોહિતને અણબનાવ હતો : હજુ પણ અનેક ચોંકાવનારી વિગતો ખુલવાના સંકેતો

નવી દિલ્હી તા. ૨૪ : ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાના કેસમાં પત્ની અપૂર્વા શુકલાની દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. સૂત્રોનું કહેવું છે કે અપૂર્વાની વિરૂદ્ઘ પૂરતા પુરાવા મળ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે. હત્યાની રાત્રીએ રોહિત અને અપૂર્વા વચ્ચે ઝઘડો થયો હતો. પુરાવા ન મળે તે માટે અપૂર્વાએ તેનો ફોન પણ ફોર્મેટ કર્યો હતો.ઙ્ગ

૧૬મી એપ્રિલે રોહિત પોતાના બંગલાના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે હત્યાની પુષ્ટિ બાદ કેટલાક કલાકો સુધી તેની પત્નીની પૂછપરછ પણ કરી હતી. અત્યાર સુધીમાં મળેલી માહિતી મુજબ પોલીસને અપૂર્વાની વિરૂદ્ઘ પુરતા પુરાવા મળ્યા છે, ત્યારબાદ તેમની ધરપકડ કરાઇ છે. શનિવારે પોલીસે અપૂર્વાની આઠ કલાક સુધી લાંબી પૂછપરછ કરી હતી.

સૂત્રોનું કહેવું છે કે અપૂર્વાના નિવેદનોમાં તાલમેલ ન હતો જેથી તપાસ ટીમને તેની પર શંકા ગઈ હતી. મીડિયા રિપોર્ટસ મુજબ આ હત્યાના ષડયંત્રમાં અપૂર્વા સામેલ હતી. તપાસ ટીમ હવે અન્ય આરોપીઓની પણ ધરપકડ કરી શકે છે.

આ કેસમાં રોહિતની પત્ની અપૂર્વા સિવાય ઘરમાં હાજર બે નોકરોના નિવેદન પણ પોલીસને શંકાસ્પદ લાગ્યા હતા. સીન રીકંસ્ટ્રકશન દરમ્યાન પોલીસને જાણવા મળ્યું કે હોલવેના બે સીસીટીવી કેમેરા કામ કરી રહ્યા હતા. બાદમાં કેમેરા ખરાબ મળ્યા. પોલીસ અધિકારીએ કહ્યું કે અડધી રાત બાદ અપૂર્વા સીસીટીવીમાં ફર્સ્ટ ફલોર પર જતા દેખાઇ હતી જયારે સ્થાનિક નોકરોના મતે તેઓ રાત્રે ૨.૩૦ વાગ્યા સુધી ગ્રાઉન્ડ ફલોર પર ક્રાઇમ સીરીયલ જોઇ રહ્યા હતા.

રોહિત શેખરના માતાએ પહેલાં તો તેને સ્વાભાવિક મોત ગણાવ્યું હતું, પરંતુ તપાસ આગળ વધ્યા બાદ તેમણે કહ્યું કે પત્ની સાથે રોહિતની તકરાર થતી રહેતી હતી. ક્રાઇમ બ્રાન્ચે પોતાની તપાસમાં અગાઉ પણ કહ્યું હતું કે રોહિતની પત્ની તેના પર શંકા કરતી હતી અને બંનેની વચ્ચે ખૂબ તનાવ હતો. રોહિતની પત્નીને તેના પર કોઇ મહિલાની સાથે નિકટતાને લઇ શંકા હતી.

(3:55 pm IST)