મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

મોદીના ભાષણોનો ૫૦ ટકા નહેરૂ- ઈન્દીરાએ શું કર્યુ તેમાં જાય છેઃ સરકારે રોજગારી ઘટાડવાનું કામ કર્યુઃ પ્રિયંકાના પ્રહાર

યુપીના ફતેહપુરમાં કોંગ્રેસ મહાસચિવે રેલી સંબોધીઃ ચોકીદાર તો અમીરોના હોય, ગરીબોના નહીં

ફતેપુરઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર માટે ફતેપુરમાં રેલીને સંબોધી હતી. પ્રિયંકાએ નરેન્દ્ર મોદી ઉપર હુમલો કરતા સવાલ પૂછયા કે તમે ચૂંટણી ભાષણોમાં નહેરૂએ શું કર્યુ, ઈન્દીરાજીએ શું કર્યુ પૂછો છો પણ તમે પાંચ વર્ષમાં શું કર્યુ તે જણાવતા નથી.

પ્રિયંકાએ જણાવેલ કે તેમને બીક છે, મારા પરિવાર માટે વાતો કરે છે. ચૂંટણી ભાષણના ૫૦ ટકા નેહરૂએ શું કર્યુ, ઈન્દીરાએ શું કર્યુ એ જ હોય છે. પણ તેમણે પાંચ વર્ષમાં શું કર્યુ?

 વડાપ્રધાનની વિદેશ યાત્રાઓ અંગે પણ પ્રિયંકાએ પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન જે હંમેશા વિદેશમાં જ દેખાય છે. અક્ષયકુમારના ઈન્ટરવ્યુ અંગે પણ પ્રિયંકાએ વડાપ્રધાનને ધેર્યા હતા. તેમણે જણાવેલ કે વડાપ્રધાન મોટા મોટા અભિનેતાઓ સાથે ઈન્ટરવ્યુ કરે છે. ઉદ્યોગપતિઓને આગળ વધારવા નિતીઓ બનાવાઈ રહી છે. મારા વારણસી જવા ઉપર માલુમ પડયુ કે વડાપ્રધાન ગામડામાં નથી જતા.

આ સરકારે ફકત રોજગાર ઘટાડવાનું કામ કર્યુ છે. સરકારે મનરેગાને પૂરી રીતે બંધ કરી દીધી.

અંતમાં પ્રિયંકાએ ''ચોકીદાર'' અંગે પણ ચિંટીયો ભરતા જણાવેલ કે ચોકીદાર તો અમીરોના હોય છે, ગરીબોના નહી.

(3:41 pm IST)