મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

શું આગામી દિવસોમાં Jio રિચાર્જનાભાવ વધશે?

રિલાયન્સ જિયો ઇન્ફોકોમને ખર્ચ કરવા પડશે ૯૦૦૦ કરોડ

કોલકાતા, તા.૨૪: આ નાણાંકીય વર્ષમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમને તેમના ભાડા વધારવાની ફરજ પડે તેમ છે. રિલાયન્સ જિયોને જો પ્રતિસ્પર્ધામાં ટકી રહેવું હશે તો આ વર્ષમાં રૂ. ૯૦૦૦ કરોડનો ખર્ચ કરવો પડે તેમ છે. જિયોએ તેના ફાઈબર અને ટાવર એસેટ્સ માટે પૈસા ખર્ચ કરવા પડશે આ સાથે જ તેના પ્રતિસ્પર્ધી વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલના મૂડી વૃદ્ઘિના પ્લાન સાથે પણ તેમણે કદમ મિલાવવા પડશે.

જે.પી મોર્ગને એક નોંધમાં જણાવ્યું, 'છ કે નવ મહિના પહેલા પરિસ્થિતિ જુદી હતી પરંતુ હવે જિયો કિંમત વધારે તેવી શકયતા છે. તેની પોઝિટિવ અસર તેના પ્રતિસ્પર્ધી વોડાફોન આઈડિયા પર થશે. રોકાણકારો માને છે કે વોડાફોન આઈડિયા અને એરટેલના મૂડી વૃદ્ઘિના પ્લાન દર્શાવે છે કે તે હવે જિયોને ટક્કર આપવા સક્ષમ છે. તેને કારણે જિયોને તેની કિંમત અંગે ફેરવિચાર કરવો પડશે. ખાસ કરીને શું તે હજુ બે ત્રણ વર્ષ બેલેન્સ શીટમાં રોકાણ વધારી શકશે કે કેમ તે વિચારવું રહ્યું.

VIL (વોડાફોન આઈડિયા લિમિટેડ) અને ભારતી એરટેલ આખા દેશમાં તેમનો ૪G બિઝનેસ વધારવા માટે અને જિયોને ટક્કર આપવા માટે તેમના કેટલાંક રાઈટ્સના વેચાણથી રૂ. ૨૫,૦૦૦ કરોડ ઊભા કરવાનું આયોજન કરી રહ્યા છે. જિયોના મેનેજમેન્ટે જણાવ્યું છે કે તે અત્યારે ભાડામાં કોઈ ફેરફાર કરવા નથી માંગતા અને તેમનો ધ્યેય ગ્રાહકો કે સબસ્ક્રાઈબર્સની સંખ્યા વધારવાની છે.

ઉલ્લેખનીય છે કે જિયોના આગમન સાથે જ સપ્ટેમ્બર ૨૧૦૬થી બીજા સર્વિસ પ્રોવાઈડર્સને ભાવ ઘટાડવાની ફરજ પડી હતી. નીચા ભાવને કારણે દેશમાં વોઈસ અને ડેટા સર્વિસિસનો વપરાશ વધ્યો છે. આમાં ગ્રાહકો ફાવી ગયા હતા પરંતુ જૂની કંપનીઓને નુકસાન ગયું હતું. આજે પરિસ્થિતિ એવી છે કે માર્કેટમાં ત્રણ મુખ્ય પ્લેયર્સ છેઃ વોડાફોન-આઈડિયા, ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો. મુકેશ ભારતીની જિયો પાસે અત્યારે ૩૦.૬૭ કરોડ યુઝર્સ છે. તેમના નેટ પ્રોફિટમાં ચોથા કવાર્ટરમાં ૬૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લા છ કવાર્ટરથી કંપની સતત નફોકરી રહી છે.

 JMફાયનાન્શિયલે જણાવ્યું કે માર્ચ ૨૦૧૯ કવાર્ટરમાં જિયો સૌથી મોટી ટેલિકોમ કંપની બની જશે. તેની સ્ટ્રેન્થ ૧૧,૧૦૦ કરોડની રેવન્યુ થઈ જશે. તે આ જ ગાળામાં ૧૦,૯૦૦ કરોડની સ્ટ્રેન્થ ધરાવતી VILને વટી જશે. હવે ૯૦૦૦ કરોડના ખર્ચ માટે રિલાયન્સ જિયો ગ્રાહકો પર ભારણ નાંખશે કે કેમ તે તો સમય જ બતાવશે.

(1:52 pm IST)