મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

મહિલાની ફરીયાદ પર ચીફ જસ્ટીશ વિરૂદ્ધ થશે તપાસ

ચીફ જસ્ટીશ વિરૂદ્ધ તપાસ કરશે ૩ સભ્યોની કમિટીઃ કેસની પ્રથમ સુનાવણી ૨૬ એપ્રિલે થશેઃ નંબર ૨ જજ હોવાને નાતે ચીફ જસ્ટીશ બોબડેની નિયુકતી કરી

નવી દિલ્હી, તા. ૨૪ :. દેશના મુખ્ય ન્યાયધીશ રંજન ગોગોઈ વિરૂદ્ધ અમર્યાદીત આચરણની તપાસ માટે સુપ્રિમ કોર્ટના ૩ જજોની એક સમિતિની એક રચના કરવામાં આવી છે. ચીફ જસ્ટીસ પછીના સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ જજ જસ્ટિસ બોબડેના નેતૃત્વમાં આ આંતરીક તપાસની પ્રથમ સુનાવણી શુક્રવારે થશે. આ અંગે જસ્ટીસ બોબડેનો સંપર્ક કરતા તેમણે ઘટનાક્રમની પુષ્ટિ કરી હતી.

તેમણે જણાવ્યુ હતુ કે નંબર-૨ જજ હોવાને કારણે મુખ્ય ન્યાયધીશે મને સુપ્રિમ કોર્ટની એક પૂર્વ મહિલા કર્મચારી તરફથી તેમની વિરૂદ્ધ લગાવવામાં આવેલા અમર્યાદીત આચરણના આરોપોની તપાસ માટે નિયુકત કરવામાં આવેલ છે. જસ્ટીસ બોબડેએ જણાવ્યુ હતુ કે, મેં સુપ્રિમ કોર્ટના બે ન્યાયધીશ જસ્ટીસ રમના અને જસ્ટીસ ઈન્દીરા બેનરજીને સામેલ કરી એક સમિતિની રચના કરી છે. તેમણે કહ્યુ હતુ કે, મેં સમિતિમાં જસ્ટીસ રમનાને સામેલ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે તેઓ સિનીયોરીટીમાં મારા પછી છે અને જસ્ટીસ બેનરજીને એટલા માટે સામેલ કરવામાં આવ્યા છે કે તેઓ મહિલા ન્યાયધીશ છે. તેમણે કહ્યુ હતુ કે અમે પહેલા જ લેખીત રીતે આરોપ મુકનાર મહિલાને નોટીસ આપી છે. પીડીત મહિલાએ સોગંદનામામાં તેની સાથે અમર્યાદીત આચરણની વાત જણાવી છે.

આ મામલાની પ્રથમ સુનાવણી માટે સુપ્રિમ કોર્ટના મહાસચિવને તમામ દસ્તાવેજો અને સામગ્રી સાથે તૈયાર રહેવા જણાવાયુ છે. જસ્ટીસ બોબડેએ કહ્યુ હતુ કે, આ ઔપચારીક ન્યાય પ્રક્રિયા નહિ હોય જેમાં આંતરીક તપાસ થશે, જેમા વિવિધ પક્ષોને પોતાના વકીલો તરફથી પ્રતિનિધિત્વ કરવુ નહિ પડે. તેમણે સ્પષ્ટ કર્યુ હતુ કે તપાસ પુરી કરવા માટે કોઈ સમય સીમા નથી નક્કી કરી. ભવિષ્યની કાર્યવાહી એ બાબત પર નિર્ભર રહેશે કે તપાસમાં કઈ બાબત સામે આવે છે, પરંતુ તે ગુપ્ત રહેશે.

અત્રે નોંધનીય છે કે શનિવારે ચીફ જસ્ટીસ ગોગોઈના નેતૃત્વમાં ૩ જજોની ખંડપીઠે આરોપો ઉપર સુનાવણી કરી હતી. આ દરમિયાન ચીફ જસ્ટીશે પોતાની વિરૂદ્ધના આરોપોને નકારી કાઢયા હતા અને એક મોટા ષડયંત્રની વાત જણાવી હતી.

(10:12 am IST)