મુખ્ય સમાચાર
News of Wednesday, 24th April 2019

ગુજરાત હિંસા : બિલકિસને ૫૦ લાખનું વળતર અપાશે

સરકારી નોકરી અને ઘર આપવાનો આદેશ : ગુજરાત રમખાણો દરમિયાન ૨૦૦૨માં બિલકિસબાનુ પર સામૂહિક બળાત્કાર ગુજારાયો હતો : મહત્વનો ચુકાદો

નવી દિલ્હી, તા. ૨૩ : સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. ગુજરાતના રમખાણો દરમિયાન કરવામાં આવેલા ગેંગરેપના મામલામાં પીડિતા બિલકિસ બાનુને ૫૦ લાખ રૂપિયાનું વળતર અને સરકારી નોકરી અને આવાસ આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે પુરાવાને ખતમ કરવાના મામલામાં આઈપીએસ આરએસ ભગોરાને બે પદ ડિમોટ કરવાની રાજ્ય સરકારની ભલાણણને પણ સ્વીકારી લીધી છે. ભગોરા આગામી ૩૧મી મેના દિવસે નિવૃત્ત થવા જઇ રહ્યા છે. સુનાવણી દરમિયાન ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે, દોષિત પોલીસ અધિકારીઓની સામે પગલા લેવામાં આવ્યા છે. કોર્ટે થોડાક દિવસ પહેલા જ ગુજરાત સરકાર પાસેથી વર્ષ ૨૦૦૨ના બિલકિસબાનુ મામલામાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવેલા પોલીસ અધિકારીઓની સામે શિસ્તની કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો હતો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇના નેતૃત્વમાં બંધારણીય બેંચે કહ્યું હતું કે, બિલકિસબાનુની વધારે વળતરની માંગ કરતી અરજી ઉપર મંગળવારના દિવસે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ બેંચમાં ન્યાયમૂર્તિ દિપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના પણ હતા. બિલકિસબાનુને ગુજરાત સરકારની પાંચ લાખ રૂપિયાની વળતર સાથેની ઓફરને સ્વીકારવાને લઇને બેંચે ઇન્કાર કરી દીધો હતો. બિલકિસબાનુએ પાંચ લાખનું વળતર સ્વીકારવા ઇન્કાર કરી દીધા બાદ આ મામલાને લઇને વધુ તપાસ હાથ ધરાઈ હતી. આ પહેલા ગુજરાત હાઇકોર્ટે ચોથી મે ૨૦૧૭ના દિવસે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૨૧૮ (પોતાની ફરજ યોગ્યરીતે અદા ન કરવા) અને કલમ ૨૦૧ (પુરાવા સાથે ચેડા) હેઠળ પાંચ પોલીસ કર્મીઓ અને બે તબીબોને દોષિત ઠેરવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં અમદાવાદની નજીક રણધીકપુર ગામમાં એક ભીડે ત્રીજી માર્ચ ૨૦૦૨ના દિવસે બિલકિસબાનુ પરિવાર ઉપર હુમલો કરી દીધો હતો. આ ગાળા દરમિયાન પાંચ મહિનાની ગર્ભવતી રહેલી બિલકિસબાનુની સાથે સામૂહિક બળાત્કાર ગુજારવાાં આવ્યો હતો જ્યારે તેના પરિવારના છ સભ્યો કોઇરીતે ઉગ્ર ભીડથી બચીને નિકળી જવામાં સફળ રહ્યા હતા. બિલકિસબાનુ ગેંગરેપના મામલામાં સમગ્ર ગુજરાત અને દેશભરમાં આની ચર્ચા રહી હતી. ગેંગરેપ મામલામાં ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આગળ વધી હતી. આખરે આજે સુપ્રીમ કોર્ટે બિલકિસબાનુને રાહત આપી હતી. ૫૦ લાખનું વળતર, સરકારી નોકરી અને આવાસ આપવાનો ચુકાદો અપાયો હતો.

ચુકાદાની સાથે સાથે....

*   ગુજરાત રમખાણ દરમિયાન ૨૦૦૨માં ગેંગરેપ મામલામાં બિલકિસબાનુને રાહત મળી

*   સુપ્રીમે કેસના મામલામાં બિલકિસબાનુને ૫૦ લાખ રૂપિયાનું વળતર, સરકારી નોકરી અને ઘર આપવાનો આદેશ કર્યો

*   પુરાવા નષ્ટ કરવા બદલ આઈપીએસ અધિકારી આરએસ ભગોરાને બે પદ ડિમોટ કરવાની ભલામણ પણ સ્વીકારાઈ

*   ભગોરા ૩૧મી મેના દિવસે નિવૃત્ત થવા જઇ રહ્યા છે

*   ચીફ જસ્ટિસ ગોગોઈની બેંચમાં સુનાવણી કરાઈ

*   ગુજરાત હાઈકોર્ટે ચોથી મેના દિવસે પાંચ પોલીસ જવાનો અને બે તબીબોને દોષિત ઠેરવ્યા હતા

*   ત્રીજી માર્ચ ૨૦૦૨ના દિવસે બિલકિસબાનુ પર સામૂહિક બળાત્કાર ગુજારાયો હતો

(12:00 am IST)