મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

કાસ્ટિંગ કાઉચથી સંસદ પણ બાકાત નથી : રેણુકા ચૌધરી

સરોજ ખાન બાદ રેણુકાનું વિવાદાસ્પદ નિવેદન : દરેક ક્ષેત્રમાં કાસ્ટિંગ કાઉચની કડવી વાસ્તવિકતા પ્રવર્તે છે : નોકરીના સ્થળો ઉપર બનાવો બની રહ્યા છે : ચૌધરી

બેંગલોર,તા. ૨૪ : રેપ અને કાસ્ટિંગ કાઉચને લઇને લોકપ્રિય કોરિયો ગ્રાફર સરોજ ખાનના વિવાદાસ્પદ નિવેદન વચ્ચે કોંગ્રેસના નેતા રેણુકા ચૌધરીએ પણ વિવાદાસ્પદ નિવેદન કરી દીધું છે. રેણુંકા ચૌધરીએ કહ્યું છે કે, દરેક જગ્યાએ કાસ્ટિક કાઉચ થાય છે અને સંસદ પણ આનાથી બાકાત નથી. રેણુકાએ કાસ્ટિંગ કાઉચને એવી વાસ્તવિકતા ગણાવી છે જે ચારેબાજુ જોઈ શકાય છે. રેણુકા ચૌધરીએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું છે કે, કાસ્ટિંગ કાઉચની સમસ્યા માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નથી. બલ્કે દરેક ક્ષેત્રમાં પ્રવર્તી રહી છે. તેમનું કહેવું છે કે, સંસદ પણ આનાથી બાકાત નથી. નોકરીના કોઇ સ્થળ આનાથી બાકાત નથી. આ એવો સમય છે જ્યારે ભારતમાં હવે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. સરોજ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ અને રેપના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો રેપ અને કાસ્ટિંગ કાઉચ થાય છે તો રોજગારી પણ મળે છે. જેની સાથે ખોટું થયું છે તેને છોડવામાં આવતા નથી. તેને કામ આપવામાં આવે છે. સરોજ ખાનના આ વિવાદાસ્પદ નિવેદનથી જોરદાર હોબાળો થયો હતો. જો કે, સરોજ ખાને મોડેથી માફી માંગી લીધી હતી. સાથે સાથે એમ પણ કહ્યં હતું કે, તેમના નિવેદનને ખોટીરીતે લેવાના પ્રયાસો કરાયા છે. જે પ્રશ્નના જવાબમાં તેઓએ આ વાત કરી હતી તે બાબતનો કોઇ ઉલ્લેખ થઇ રહ્યો નથી. સરોજ ખાને કહ્યું હતું કે, તેમને એવી જ વાત કરી છે જે વાસ્તવિકતા છે. બીજી બાજુ રેણુકા ચૌધરી પણ હમેશા વિવાદાસ્પદ નેતા તરીકે રહ્યા છે. થોડાક સમય પહેલા સંસદમાં વડાપ્રધાન મોદીના નિવેદન વેળા જોરશોરથી હસવા બદલ તેમની ટિકા થઇ હતી. હવે કાસ્ટિંગ કાઉચને લઇને તેમના નિવેદનની ચર્ચા બોલીવુડની સાથે સાથે રાજકીય વર્તુળોમાં જોવા મળી રહી છે. સરોજ ખાનને લઇને પણ વિવાદ છેડાઈ ગયો છે.

(8:42 pm IST)