મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

ઇરાકના કરબલામાં ભારતીય મુસલમાનોએ ત્રિરંગો લહેરાવ્યો

અજમેર શરીફ દરગાહના ખાદિમોએ રાષ્ટ્રીય એકતના દર્શન કરાવી ભારતની શાન વધારી

અજમેર: ભારતીય મુસલમાનોએ ઇરાકના કરબલામાં ત્રિરંગો લહેરાવ્યો છે રાષ્ટ્રીય એક્તાનું પ્રદર્શન કરવા માટે હિન્દુસ્તાનીઓએ કરબલામાં ઉત્સાહથી તિરંગો લહેરાવ્યો હતો  વિશ્વ પ્રસિદ્ધ સૂફી સંત હજરત ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહના ખાદિમોએ ઇરાકના કરબલામાં હિન્દુસ્તાનની શાન વધારી છે ખાદિમોની એક ટુકડી હાલ ઇરાકના મુકદ્દસ મકામાતની જિયારત માટે ગઈ છે. દેશભક્તિની ભાવના માટે અજમેર શરીફ દરગાહના ખાદિમોએ ઈરાકના કરબલા શરીફમાં તિરંગો લહેરાવ્યો અને ઈમામની બારગાહમાં હિન્દુસ્તાન અને અવામની સલામતી ખુશહાલી માટે દુઆ માંગી. તેમણે કરબલાની શેરીઓ અને બજારોમાં ધાર્મિક ગીતોનું પઠન પણ કર્યું.

  અંજુમન સૈયદ જાદગાનના સભ્ય સૈયદ આલે બદર ચિશ્તી, કજિયેદાર અકીલ એહમદે કરબલાથી આ વીડિયો અને તસવીર મોકલ્યા છે. અજમેરવાસી ભારતીય યાત્રીઓએ જણાવ્યું કે હજરત ઈમામ હુસેનના રોજા પાસે આ પરચમ લહેરાયો. આ સાથે જ તેમણે દેશ અને દેશવાસીઓ માટે ખાસ દુઆ પણ કરી. તેમણે જણાવ્યું કે દરગાહના લગભગ 300 ખાદિમ હાલ ઇરાક વગેરે દેશોના મુકદ્દસ મકામાતની જિયારત માટે આવેલા છે. આ ટુકડી 15 દિવસોથી વધુના પ્રવાસે છે.

   સૈયદ આલે બદર ચિશ્તીએ જણાવ્યું કે તેમની મનથી ઈચ્છા હતી કે આ મુકદ્દસ મકામાત પર પહોંચીને ભારતનો રાષ્ટ્રીય ઝંડો લહેરાવે. તેમની આ ઈચ્છા આજે પૂરી થઈ. ઇરાકના લોકો પણ ભારતવાસીઓને ખુબ મહોબ્બત કરે છે. ભારતને પોતાનો મિત્ર ગણે છે. ભારતીય દળને પણ સન્માનની ભાવનાથી જુએ છે. આ દળ ખ્વાજા સાહેબના અમન અને મોહબ્બતના પેગામને લઈને આવ્યું છે.

અજમેર શરીફ દરગાહના ખાદિમોનું આ દળ ગરીબ નવાજના ઉર્સના સમાપન બાદ અહીંથી રવાના થયું હતું. દળમાં બાળકો અને મહિલાઓ પણ સામેલ છે.

 

(2:49 pm IST)