મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

કાલે રેપ કેસનો ચુકાદો :પોતાના અનુયાયી અને સમર્થકોને શાંતિ જાળવવા આસારામની અપીલ

અંધાધૂંધી ફેલાવશે તે આસારામના ભક્ત ન હોઈ શકે :સોશ્યલ મીડિયાની માહિતી પર વિશ્વાસ નહીં કરો

નવી દિલ્હી :આવતીકાલે જોધપુરમાં રેપ કેસમાં આસારામ પર કોર્ટ પોતાનો નિર્ણય સંભળાવશે.ત્યારે ચુકાદા પહેલા આસારામે પોતાના અનુયાયી તેમજ સમર્થકોને શાંતિ જાળવા રાખવાની અપીલ કરી છે.દિલ્હી ખાતેના સંતશ્રી આસારામજી આશ્રમ ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો અંધાધૂંધી ફેલાવશે તે આસારામના ભક્ત ન હોઈ શકે. યાદીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર ફેલાઇ રહેલી માહિતી પર વિશ્વાસ ન કરવો.સાચી માહિતી માટે તમારી નજીકના આશ્રમ અથવા અમદાવાદ ખાતેના આશ્રમનો સંપર્ક કરવો.વધુમાં કહેવામાં આવ્યું છે કે, બાપુજી નિર્દોષ સાબિત થશે અને થોડા જ સમયમાં આપણી બધાની વચ્ચે હશે. જોધપુર આવવું પૈસા અને અનર્જીનો વ્યય જ હશે.

   ચુકાદા પહેલા જ જોધપુરમાં સુરક્ષા વ્યવસ્થા વધારે ચુસ્ત બનાવાઈ છે જોધપુર હાઇકોર્ટે 17મી એપ્રિલના રોજ જોધપુરની નીચલી કોર્ટને જેલ પરિસરની અંદર પોતાનો નિર્ણય સંભળાવવાનો આદેશ કર્યો છે. એટલે સુધી કે પોલીસ કમિશ્નર અશોક રાઠોરે જણાવ્યું હતું કે શહેરમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.

  પોલીસે કમિશ્નરે જણાવ્યું હતું કે, અમને ખુશી છે કે કોર્ટે જેલ પરિસરની અંદર જ ચુકાદો સંભળાવવાની અમારી વિનંતીને ગ્રાહ્ય રાખી છે.

  પોલીસને એવી સૂચના મળી છે કે કોર્ટના નિર્ણય પહેલા અથવા નિર્ણયના દિવસે આસારામના સમર્થકો જોધપુર પહોંચી શકે છે, આ માટે રાજસ્થાન પોલીસે પાડોશી રાજ્યોની મદદ માંગી છે. તેમણે જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો અર્ધ લશ્કરી દળોને તહેનાત કરવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક સગીરાએ કથિત રીતે આસારામ દ્વારા જોધપુર બહાર આવેલા આશ્રમમમાં તેના પર બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યા બાદ પોલીસે 2013માં આસારમની ધરપકડ કરી હતી.બાદમાં આસારામને ઇન્દોર લઈ આવવામાં આવ્યા હતા અને હાલ તેમને જોધપુર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલ બહાર અનેક વખત પોલીસ અને આસારામના સમર્થકો વચ્ચે ઝપાઝપી થઈ ચુકી છે.

   આસારામ આ કેસમાં દોષિત જાહેર થશે તો તેમને મહત્તમ 10 વર્ષની જેલની સજા ભોગવવી પડશે. જોકે, આસારામ ઉપર સહરાનપુર ઉપરાંત સુરતની યુવતી પર પણ બળાત્કાર કરવાનો કેસ ચાલી રહ્યો છે. બળાત્કારના જ કેસમાં આસારામનો પુત્ર નારાયણ સાંઇ પણ જેલમાં છે.

(1:46 pm IST)