મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

કર્ણાટકમાં કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમતિ નહી : પોલનુ તારણ

જેડીએસ નેતા કુમારસ્વામી કિંગમેકરની ભૂમિકામાં : ભાજપને ૮૯ ,કોંગ્રેસને ૯૧ સીટો મળી શકે : જેડીએસને ૪૦ બેઠકો મળી શકે છે : ચૂંટણી પહેલાના સર્વેથી ચિંતા

નવી દિલ્હી,તા. ૨૪ : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે વધારે દિવસો રહ્યા નથી ત્યારે ચૂટણી પહેલા કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેમાંથી કોઇને પણ બહુમતી મળનાર નથી. કર્ણાટકમાં ત્રિશકુ ચિત્ર ઉપસી શકે છે. આ સર્વેના તારણથી ભાજપ અને કોંગ્રેસની ચિંતા વધી ગઇ છે અને વધારે મહેનત કરવાની જરૂરિયાત દેખાઇ રહી છે. આ વખતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જેડીએસ કિંગ મેકરની ભૂમિકામાં રહેશે. કારણ  કે આ પાર્ટીને પણ ૪૦ સીટો મળવાની આગાહી કરવામાં આવી છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર રહેનાર છે. બન્ને પાર્ટી બિલકુલ નજીક દેખાઇ રહી છે. ટાઇમ્સ નાઉ-વીએમઆર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ૨૨૪ સભ્યોની વિધાનસભામાં આ સમય સત્તા કબજે કરવાની સ્થિતીમાં કોઇ પાર્ટી નથી. કારણ કે કોંગ્રેસને ૯૧ સીટ મળવાની વાત કરવામાં આવી છે. આવી જ રીતે ભાજપને ૮૯ સીટ મળી શકે છે. ખાસ બાબત એ છે કે જેડીએસને ૪૦ સીટો મળી શકે છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે જો આજે ચૂંટણી યોજાય તો મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને યેદીયુરપ્પા બન્નેમાંથી કોઇ સરકાર બનાવવાની સ્થિતીમાં રહેશે નહી. કર્ણાટકમાં કોઇ પણ પાર્ટીને સરકાર બનાવવા માટે ૧૧૨ સીટની જરૂર હોય છે. મધ્ય કર્ણાટકમાં ભાજપને મોટી સફળતા મળી શકે છે. તેના ખાતામાં અહીંથી ૩૫ પૈકી ૨૨ સીટ આવી શકે છે. જ્યારે વર્ષ ૨૦૧૩માંની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર ચાર સીટ મળી હતી. જ્યારે છેલ્લી ચૂંટણીમાં ૧૯ સીટ જીતનાર કોંગ્રેસને આ વખતે ૧૦ સીટ સાથે સંતોષ માનવાની ફરજ પડી શકે છે. જેડીએસને અહીં ત્રણ સીટ મળી શકે છે.દરિયા કાઠાના કર્ણાટકમાં પણ ભાજપને ફાયદો થઇ શકે છે. અહીં પાર્ટીને ૨૧ પૈકી આઠ સીટ મળી શકે છે. ગ્રેટર બેંગલોર ક્ષેત્ર મુખ્યપ્રધાન સિદ્ધારમેયાની સાથે હોવાના સંકેત મળી રહ્યા છે. 

(12:29 pm IST)