મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

પ્રેસને સમાચાર પ્રસિધ્ધ કરતાં રોકી શકાય નહીં, કેસમાં કોઇને માફી માગવાનો પ્રશ્ન જ નથીઃ સુપ્રીમ

સુપ્રીમ કોર્ટે જય શાહ અને 'ધ વાયર'ને કોર્ટ બહાર સમાધાન કરવા સૂચન કર્યું

નવી દિલ્હી તા. ૨૪ : ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહના પુત્ર શ્રી જય શાહે ન્યુઝ ચેનલ 'ધ વાયર' અને અન્ય પત્રકારો સામે કરેલા બદનક્ષીના કેસમાં સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને સમાધાન કરી લેવા જણાવ્યું હતું અને કોઇએ કોઇની માફી માગવાનો સવાલ જ નથી, તેમ જણાવી પ્રેસને સમાચારો પ્રસિધ્ધ કરતા રોકી શકાય નહી તેમ ઉમેર્યું હતું.

સુપ્રીમે કહ્યું કે, ન્યુઝ પોર્ટલ ફરીયાદીએ આપેલ સ્પષ્ટતા પ્રસિધ્ધ કરે તે પૂરતું છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની બનેલી બેંચે બદનક્ષીના દાવામાં પેનલ પ્રોવિઝનના સુપ્રીમ કોર્ટના હુકમને ટાંકીને બંને પક્ષોને કોર્ટની બહાર વિવાદ ઉકેલવા જણાવ્યું હતું.

સુપ્રીમે એપ્રિલની ૧૮ તારીખે સ્પષ્ટતા કરી હતી કે બંને પક્ષોએ સમાધાન કરવું તેમાં કોઇની માફી માગવી તેવો ઉલ્લેખ હતો જ નહીં. જસ્ટીસ ખાનવિકર અને ચંદ્રચૂડની બનેલી બેંચે 'ધ વાયર'ના વકીલને જણાવ્યું હતું કે, આ બાબતમાં કોઇ પણ પ્રકારની માફીનો પ્રશ્ન જ ઉભો થતો નથી.

ઉલ્લેખનીય છે કે, જય શાહે 'ધ વાયર' અને તેના પત્રકારો સામે ગુનાઇત બદનક્ષીના કેસ ધ વાયરમાં પ્રસિધ્ધ થયેલા લેખ બદલ ૧૦૦ કરોડના વળતર માટે સિવિલ કેસ દાખલ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે આજે ગુજરાત હાઇકોર્ટે આપેલા ધ વાયરને જય શાહના બિઝનેસના સમાચાર નહીં છાપવાના હુકમને યથાવત રાખવાની અરજીની સુનાવણી કરી હતી. આજની સુનાવણીમાં સુપ્રીમે જણાવ્યું હતું કે, આ બાબતનો અંત સમાધાનથી જ આવવો જોઇએ.

પ્રેસ પર મર્યાદા લાદવા અંગે અગાઉ પણ સુપ્રીમે ઇન્કાર કર્યો હતો તેમ જણાવી બેંચે ઉમેર્યું હતું કે, પ્રેસને સમાચારો પ્રસિધ્ધ કરતા રોકી શકાય નહીં.

શ્રી જય શાહના વકીલ એન.કે.કોલે સુપ્રીમને જણાવ્યું હતું કે, ન્યુઝ પોર્ટલ ફરિયાદીએ આપેલી સ્પષ્ટતા પ્રસિધ્ધ કરે તે પૂરતું છે. ધ વાયરના વકીલે પણ જણાવ્યું હતું કે, લેખમાં જય શાહને સ્પષ્ટતા કરવા ઓફર કરાઇ હતી અને હવે સ્પષ્ટતા કરે તો તે પ્રસિધ્ધ કરવા તૈયાર છે. શ્રી જય શાહના વકીલે જણાવ્યું હતું કે, લેખમાં કેટલાક વાકયો ઇરાદાપૂર્વક બદનક્ષી કરવા લખાયા છે.

તેમાં કંપનીએ ૮૦ કરોડનો નફો કર્યો તેમ જણાવ્યું હતું પરંતુ હકીકતમાં ૮૦ કરોડની ખોટ ગઇ હતી. જય શાહ જાહેર જીવનમાં નથી પરંતુ તેમની પ્રતિષ્ઠા ખરડાઇ છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી હવે જુલાઇ માસમાં ઠેરવી હતી.

(12:26 pm IST)