મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

ઇન્દોરમાં મોડેલનું સ્કર્ટ ખેંચાયું, શિવરાજસિંહે ટ્વીટ કરી પોલીસ કાર્યવાહીનો આદેશ આપ્યો

પીડિત યુવતીએ ટ્વીટ કરીને આખો ઘટનાક્રમ જણાવ્યો : 'મદદ માટે નજીક આવેલા એક અંકલે કહ્યું, સ્કર્ટ પહેરે છે એટલે છેડતી થાય છે!': મોડેલનો ટ્વીટર પર દાવો

ઇન્દોર તા. ૨૪ : ઈન્દોરમાં આકર્ષી શર્મા નામની મોડેલે ટ્વિટરમાં દાવો કર્યો હતો કે તેની સાથે છેડતી થઈ છે. સ્કર્ટ પહેરીને તે તેના વ્હીકલ ઉપર જઈ રહી હતી ત્યારે યુવાનોએ તેનું સ્કર્ટ ખેંચ્યું હતું. આ અંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને પોલીસને કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

આકર્ષી શર્મા નામની ટ્વિટર યુઝરે ટ્વીટ કરીને લખ્યું હતું કે તે ઈન્દોરના રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે બે બાઈક સવાર યુવકોએ તેનો પીછો કર્યો હતો અને ચાલુ વ્હીકલે મોડેલનું સ્કર્ટ ખેંચીને અભદ્ર શાબ્દિક છેડતી પણ કરી હતી. યુવતીના ઘટનાક્રમ વિશે જાણ્યા પછી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને મોડેલને આશ્વાસન આપ્યું હતું અને ઈન્દોરના ડીજીપી તેમ જ કલેકટરને કાર્યવાહીનો આદેશ આપ્યો હતો.

શિવરાજ સિંહે યુવતીની પ્રશંસા કરતા કહ્યું હતું : બેટી આકર્ષી, તારી હિંમતની હું સરાહના કરું છું. તંત્ર તારી મદદ માટે તૈયાર છે. આરોપીઓને પકડી લેવામાં આવશે ને તેની ઓળખ માટે પોલીસને તારાથી બનતી મદદ કરજે. યુવતીએ ટ્વિટર ઉપર ઘટનાક્રમ વર્ણવતા કહ્યું હતું કે ભરચક રસ્તા ઉપર આ થઈ રહ્યું હતું તેના કારણે તેનું ધ્યાન હટી ગયું હતું અને તેનો અકસ્માત થયો હતો. તેણે પગમાં ઈજા થયાની તસવીર પણ ટ્વિટર ઉપર શેર કરી હતી. તેણે લખ્યું હતું કે કોઈએ મદદ કરી ન હતી. એક અંકલ તો મદદના બહાને નજીક આવીને સલાહ આપી ગયા હતા કે તું સ્કર્ટ પહેરે છે એટલે છેડતી થાય છે. લોકોની આ માનસિકતા અંગે પણ ટ્વિટર યુઝર્સે આકરી ટીકા કરી હતી.

(12:25 pm IST)