મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

યોગીની 'ચોપાલ'માં જનતા બોલીઃ નથી મળ્યા શૌચાલયઃ CMએ અધિકારીઓને લીધા આડે હાથ

લખનૌ તા. ૨૪ : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સોમવારના પ્રતાપગઢના મધુપુર ગામ પહોંચ્યા હતા. અહી સીએમ યોગી આદિત્યનાથે ચોપાલ કાર્યક્રમ હેઠળ મુલાકાત લીધી હતી. આ ચોપાલ કાર્યક્રમમાં સીએમ ગામના હજારો લોકો સાથે સીધો સંવાદ કર્યો અને એક-એક કરી બધી યોજનાઓ અંગે જાણકારી આપી હતી.

યુપીના સીએમ યોગી આદિત્યનાથની આ ચોપાલમાં સૌ પ્રથમ સવાલ શૌચાલયને ઉઠ્યો હતો. જેમાં પૂછવામાં આવ્યું કેટલા લોકોને શૌચાલય મળ્યું છે અને કેટલા ને નહીં. આ સવાલના જવાબમાં વધારે લોકોએ શૌચાલય નહી મળ્યું હોવાની ફરિયાદ કરી હતી.

આ સાંભળીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચાલુ ચોપાલે અધિકારીઓને જનતાની સામે આવવા કહ્યું અને શૌચાલય અંગેની જાણકારી માગી. ત્યારબાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૨૪ કલાકની અંદર ગામમાં દરેક લોકોને શૌચાલયના પૈસા એટલે કે ૧૨ હજાર રૂપિયા તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો.

શૌચાલય બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સવાલમાં વધારે લોકો નાખુશ હતા કારણ કે તેમને આ યોજનાનો લાભ મળ્યો નહોતા. તો સીએમ યોગીએ એકવાર ફરી જિલ્લાના ડીએમ અને બીડીઓને હાજર થવા આદેશ કર્યો હતો. મુખ્યમંત્રીને બતાવવામાં આવ્યું કે ૧૨૬ લોકોને મકાન મળી ગયા છે જયારે ૧૪૦થી વધારે લોકોની યાદી તૈયાર છે.(૨૧.૯)

(9:55 am IST)