મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

બાળકી પર દુષ્કર્મ કેસમાં ફાંસીની સજાની જોગવાઈ કરતા પહેલા કોઈ રિસર્ચ કરાયું છે ? : હાઇકોર્ટે કર્યો કેન્દ્રને સવાલ

- 2013માં થયેલા ફેરફારને પડકારાયેલ જૂની અરજી પેન્ડિંગ છે અને તેની સુનવણી દરમિયાન ટિપ્પણી : કેટલા આરોપીઓ પીડિતાને જીવિત છોડશે જ્યારે રેપ અને મર્ડર માટે એક સરખી સજા હશે ?

નવી દિલ્હીઃ 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે રેપના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ કરતા પહેલા કોઈ રિસર્ચ કરાયું છે કે કેમ ? તેવો દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને સવાલ પૂછ્યો છે દિલ્હી  હાઈકોર્ટે દુષ્કર્મના કાયદામાં 2013માં થયેલા ફેરફારને પડકારવામાં આવેલી જૂની અરજી પેન્ડિંગ છે અને તેની સુનવણી દરમિયાન આ ટિપ્પણી કરી છે.

   દિલ્હી હાઈકોર્ટે પુછ્યું કે શું તમે કાયદામાં ફેરફાર કરતા પહેલા કોઈ સ્ટડી કરી હતી કે દુષ્કર્મના કેસમાં ફાંસીની સજાથી લોકોમાં ડરશે. હાઈ કોર્ટે સવાલ કર્યો કે કેટલા ગુનેગાર એવા છે કે પીડિતાને દુષ્કર્મ બાદ છોડી દેશે કેમ કે રેપ અને મર્ડરની એક જેવી જ સજા છે. કાયદાના જાણકારોના મતે આ સવાલ એટલા માટે મહત્વનો છે કેમ કે મર્ડરના ગુનામાં પહેલાથી જ ફાંસીની સજા છે અને દુષ્કર્મના કેસમાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.એવામાં પીડિતાના જીવને જોખમ વધી શકે છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા કેન્દ્ર સરકારે 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે દુષ્કર્મ અને ગેંગરેપના ગુનામાં ફાંસી સુધીની સજાની જોગવાઈ કરી છે. કઠુઆ, ઉન્નાવ, સુરત અને અન્ય જગ્યા પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર કાયદાને વધુ કડક બનાવવાની માંગ કરવામાં આવી રહી હતી.

   એવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસથી પરત આવતા કેબિનેટની બેઠક બોલાવવામાં આવી અને અધ્યાદેશ લાવવા માટે સહમતી લેવાઈ. આ અધ્યાદેશને રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દીધી છે. જે અંતર્ગત 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે દુષ્કર્મની સજામાં ફાંસીની જોગવાઈ કરી છે.

   કાર્યકારી ચીફ જસ્ટિસ ગીતા મિતલ અને જસ્ટિસ સી. હરી શંકરની બેન્ચે સરકારને પુછ્યું કે, ‘શું તમે કોઈ સ્ટડી અથવા વૈજ્ઞાનિક રીતે કોઈ આકલન કર્યું છે કે મોતની સજાથી રેપ રોકી શકાય છે. શું તમે વિચાર કર્યો છે કે પીડિતાએ શું પરિણામ ભોગવવું પડી શકે છે? કેટલા આરોપીઓ પીડિતાને જીવિત છોડશે જ્યારે રેપ અને મર્ડર માટે એક સરખી સજા હશે તો.’

ક્રિમીનલ લો (અમેંડમેન્ટ) ઓર્ડીનન્સ 2018 મુજબ 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકી સાથે રેપ પર ઓછામાં ઓછી 20 વર્ષથી લઈને ઉંમરકેદ અથવા મોતની સજા પણ થઈ શકે છે. જો પીડિતા 16 વર્ષથી ઓછી અને 12 વર્ષથી મોટી ઉંમરની છે તો નવા અધ્યાદેશ મુજબ ઓછામાં ઓછી સજા 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરવામાં આવી છે. મહત્તમ સજા તરીકે આજીવન જેલમાં રહેવું પડી શકે છે

(12:00 am IST)