મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

મે અને જુન મહિનામાં માથુ તપાવી નાખે તેવી ભયંકર ગરમી પડશેઃ જો કે ચોમાસા દરમિયાન સારો વરસાદ પડશેઃ હવામાન વિભાગની આગાહી

નવી દિલ્‍હીઃ હવામાન વિભાગે મે અને જુન મહિનામાં ધોમધખતો તાપ પડવાની આગાહી કરી છે. આ ઉપરાંત ચોમાસામાં ખુબ જ સારો વરસાદ વરસશે અને ચોમાસુ સારૂ જશે તેવી પણ આગાહી કરી છે.

હવામાન વિભાગના અનુસાર મે અને જૂન માસ દરમિયાન દેશમાં ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનનો પારો સામાન્ય કરતાં ઉંચો રહેવાનો છે. મે અને જૂન દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને હિમાચલ પ્રદેશ વધુ ગરમ રહેવાની સંભાવના છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન તેમજ ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા છે. ગત વર્ષની સરખામણીએ ગરમીનો પારો એકાદ ડિગ્રી ઉપર રહેવાની સંભાવના છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાને અસરકર્તા પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન હજુ સુધી સારા ચોમાસાને અનુકૂળ છે અને આ વખતે વર્ષ લા-નીના રહેવાની સંભાવના છે. લા-નીના વર્ષ હોવાની સ્થિતિમાં ચોમાસા દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ થાય છે. એનાથી વિપરીત જો અલ-નીના વર્ષ હોય તો ચોમાસું ખરાબ જવાની સંભાવના વધી જાય છે. 

હવામાન વિભાગે મોનસૂનની શરૂઆતમાં પહોંચવાને તારીખો જાહેર કરી છે. એવામાં હવામાન વિભાગના અનુસાર કેરલમાં મોનસૂન 1 જૂન સુધી પહોંચવાની સંભાવના છે. તો બીજી તરફ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યની રાજધાની બેંગ્લુરૂ સહિત આંધ્ર પ્રદેશના હૈદ્વાબાદ અને પૂર્વોત્તરના સિક્કિમ સુધી મોનસૂન 5 જૂન સુધી પહોંચી શકે છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, પશ્વિમ બંગાળ અને બિહારમાં 10 જૂન સુધી મોનસૂન એંટ્રી મારશે. આ ઉપરાંત 15 જૂન સુધી ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં મોનસૂન પહોંચવાની આશા છે. 

દેશની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં મોનસૂન 29 જૂન સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, અને જમ્મૂ-કાશ્મીરમાં પણ મોનસૂન 29 જૂન સુધી એન્ટ્રી મારશે. તો બીજી તરફ હરિયાણા અને પંજાબમાં 1 જૂન સુધી પહોંચવાના અણસાર છે. 

(12:00 am IST)