મુખ્ય સમાચાર
News of Tuesday, 24th April 2018

વિમાની સેવા વધુ મોંઘી બનશેઃ ટીકીટ બુકીંગ વખતે સીટ બુક કરાવવાના નામ પર ફી વસુલાશે

નવી દિલ્હીઃ ઉનાળાના વેકેશનનો પ્રારંભ થયો છે તેવા સમયે જ વિમાની સેવા મોંઘી બનવાના અણસાર દેખાયા છે. એરલાઇન્સ હવે તમારી ટિકીટ બુકિંગ વખતે સીટ બુક કરાવવાના નામ પર ફી વસૂલશે. પહેલાં ફક્ત ફ્રંટ સીટ માટે ફી લાગતી હતી. તેની શરૂઆત એર ઇન્ડીયાએ કરી છે, જેમાં લગભગ દરેક હરોળની સીટ માટે ફી લેશે. જોકે વિંડો અથવા એસલ સીટ જોઇતી હશે તો ફી ચૂકવીને તેને બુક કરાવી શકાશે અને એરલાઇન તમને મનપસંદ સીટ આપશે. સીટ સિલેક્શનના ઓપ્શન ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય બંને ઉડાણો માટે છે. અલગ-અલગ રૂટ પર ફી પણ અલગ રાખવામાં આવી છે. અત્યાર સુધી રેલવે અથવા વોલ્વો બસમાં સીટ સિલેક્શનનું ઓપ્શન હતું પરંતુ ટ્રાંસપોર્ટર તેના માટે અલગથી કોઇ ફી વસૂલતા નથી. પરંતુ એર ઇન્ડીયાના આ નવા ફોર્મૂલાને અન્ય એરલાઇન્સ પણ અપનાવી શકે છે. તેનાથી હવાઇ યાત્રા મોંઘી બનવાની આશંકા છે. 

પહેલાં બધી એરલાઇન્સ ફક્ત આગળની અથવા કોઇ વિશેષ માટે અલગથી ફી વસૂલતી હતી. પરંતુ હવે એરલાઇન્સમાં દરેક હરોળમાં સીટ સિલેક્શન પર ફી લગાવશે. ઘરેલૂ ઉડાન સેવામાં મિડલ રોમાં વિંડો સીટ બુક કરાવવા પર એરઇન્ડીયા ન્યૂનતમ 100 રૂપિયા ફી લેશે જ્યારે એસલ સીટ માટે 200 રૂપિયા ન્યૂનતમ ફી રાખવામાં આવી છે. તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં મોટાભાગલા રૂટ પર સીટ સિલેક્શનની ફી 200 રૂપિયા રાખવામાં આવી છે. ઇમરજન્સી એક્ઝિટ રો સીટની ફી 240 રૂપિયાથી શરૂ થાય છે અને વધીને 1500 રૂપિયા સુધી હશે. 

વિદેશથી ભારત યાત્રાના સમયે સીટ સિલેક્શનની ફી ત્યાંની મુદ્રા પર નિર્ભર કરશે. જો કોઇ અમેરિકાથી ભારત આવવા માટે એરઇન્ડીયાની ટિકીટ ખરીદે છે તો તેને મિડલ રોમાં બેસવા માટે ત્રણ ડોલર (લગભગ 200 રૂપિયા) ફી ચૂકવી પડશે જ્યારે ઇમરજન્સી એક્ઝિટ રો સીટ માટે આ ફી વધીને 50 ડોલર (લગભગ 3300 રૂપિયા) થઇ જશે. તો વિંડો અથવા એસલ સીટ માટે આ ફી 15 ડોલર હશે. એર ઇન્ડીયાએ પોતાના બધા એજન્ટો અને બુકિંગ કેંદ્રો પર આ નવા ફેરફાર વિશે સર્કુલર જાહેર કરી માહિતગાર કરી દીધા છે. 

જેટ એરવેઝ, ઇંડિગો, ગો એર અને સ્પાઇસ જેટ 2016માં ફેમિલી ફીના નામે આવો ફોર્મૂલા લાવી હતી. એટલે કે જો કોઇ પરિવાર હવાઇજ જહાજમાં સાથે બેસવા માંગે છે તો સીટ બુકિંગમાં તેને ફી ચૂકવવી પડશે. એરલાઇન્સનો તર્ક હતો કે થોડી ફી લઇને અમે યાત્રીઓની સુવિધા વધારી રહ્યાં છે. જોકે અધિકારીઓએ સુનિશ્વિત કર્યું કે દરેક પંક્તિ પર ફી નહી લાગે. જો યાત્રીઓને મનપસંદ સીટ જોઇએ તો તે ડિકીટ એડવાન્સમાં બુક કરાવી શકે છે.  

(9:20 am IST)